લોકો બીન ઉપયોગી વસ્તુઓ આ સેન્ટર પર જમા કરાવી શકશે
મોરબી મહાનગરપાલિકા દ્વારા રેનબસેરા સેન્ટર ખાતે RRR એટલે કે રીડયુસ, રીયુઝ અને રી-સાયકલ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે અને ડેપ્યુટી કમિશનર સંજય સોનીના હસ્તે આ RRR સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેન્ટર પર મોરબીવાસીઓ પોતાની બિનજરૂરી વસ્તુઓ જેવી કે કપડા, પુસ્તકો, રમકડાં આ સેન્ટર પર પહોંચાડી શકે છે. આ વસ્તુઓ મહાનગરપાલિકા દ્વારા આશ્રય સ્થાનમાં રહેતા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવશે. કાયમી માટે આ સેન્ટર ચાલુ રાખવામાં આવશે.
મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, લોકો ઘણી વખત બિન ઉપયોગી વસ્તુને કચરામાં ફેંકી દેતા હોય છે. આ વસ્તુઓ રિ-સાયકલ ન થતાં ઘણી વખત નદી-નાળાઓમાં અને દરિયામાં જાય છે જેના કારણે પર્યાવરણને નુકસાન થાય છે. ત્યારે આપણા માટે બિન જરૂરી વસ્તુઓ અન્ય લોકો માટે જરૂરી હોય છે તેના માટે મહાનગરપાલિકા દ્વારા RRR સેન્ટર શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ સેન્ટર પર જે લોકો પાસે બિન જરૂરી વસ્તુઓ હોય તે આપી શકે છે અને જેને જરૂર હોય તે લઈ પણ જઈ શકે છે. પ્રથમ દિવસે જ અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કપડાં, રમકડાં સહિતની વસ્તુઓ અહીં આપવામાં આવી છે.