Saturday - May 16, 2026

રાજકોટના અગ્નિકાંડને એક માસ પૂરો થતાં તંત્રની કાર્યવાહીમાં તેજ રફતાર

રાજકોટના અગ્નિકાંડને એક માસ પૂરો થતાં તંત્રની કાર્યવાહીમાં તેજ રફતાર

રાજકોટ ગેમઝોન દુર્ઘટનાને એક મહિનો વીતી ગયા બાદ સમગ્ર રાજ્યની સાથે મોરબીનું પ્રશાસન શરૂઆતથી ફાયર એનઓસી અને બીયુ પરમિશન મુદ્દે સ્ટેપ બાય સ્ટેપ પગલાં ભરી રહ્યું હોય ત્યારે હવે તમામ તપાસને અંતે કડક કાર્યવાહીનો મોડ આવતા તંત્રએ મોરબી જીલ્લામાં ફાયર એનઓસી વગરની 21 ખાનગી શાળાઓ તેમજ મોલ, હોસ્પિટલ સહિત 421 વાણિજ્ય એકમોને નોટિસ ફટકારી છે. જ્યારે મોલ, જીમ, હોસ્પિટલ અને લેબોરેટરીને ગયા મહિને સીલ કર્યા બાદ પણ ફાયર એનઓસી ન મળતા હજુ પણ સીલ ખુલ્યા નથી.

મોરબી નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રએ રાજકોટના અગ્નિકાંડ મુદ્દે શરૂઆતથી તબક્કાવાર કાર્યવાહી શરૂ કરીને હવે ધડાધડ નોટિસ આપવાની કડક કાર્યવાહી કરી છે. જેમાં થ્રિલ એન્ડ ચીલ, લેવલ અપ અને યોગાતા ગેમઝોન, પાપાજી ફન વર્લ્ડ, દેવ ફન વર્લ્ડ, કામધેનુ પાર્ટી પ્લોટ સહિતના ફન ઝોન, રવાપર રોડ પર આવેલ વી માર્ટ માં પણ ફાયરની સુવિધા કે એનઓસી ન હોવાથી તેમજ હોસ્પિટલો, જિમ, લેબોરેટરીમાં ફાયર એનઓસી ન હોવાથી સિલિગ કરી દીધા હતા. આ સિલિંગની કાર્યવાહી બાદ પણ ફાયર એનઓસી મળી ન હોવાથી હજુ પણ આ 6 એકમો બંધ હાલતમાં જ છે.

મોરબી શહેરમાં અત્યાર સુધી ટ્યુશન ક્લાસ, હોસ્પિટલ, કોમર્શિયલ કોમ્પ્લેક્ષ સહિતના 400 વાણિજ્ય એકમોને ફાયર સેફટી મુદ્દે નોટિસો આપવામાં આવી છે અને હજુ પણ નોટિસ આપવાની કાર્યવાહી ચાલુ હોવાનું મોરબીના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. જ્યારે શાળાઓમાં ફરી વખત ચકાસણીના હાઇકોર્ટેના હુકમ મુજબ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના નેજા હેઠળ 56 ટીમોને  જિલ્લામાં આવેલી 585 સરકારી, 196 ખાનગી અને 1 ગ્રાન્ટેડ શાળાની ચકાસણી કરવામાં આવતા 21 ખાનગી શાળાઓમાં ફાયર એનઓસી જ ન હોવાનું જિલ્લાની શાળાઓમાં ફાયર સેફટી અંગેની ચકાસણી દરમિયાન જિલ્લાની કુલ 41 પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટી ખામીઓ દેખાતા કુલ 41 શાળાઓને નોટિસ આપી શિક્ષણ તંત્રએ સરકારને અહેવાલ મોકલ્યો છે.