Saturday - May 16, 2026

ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યા બાદ પીએમ રિપોર્ટમાં બનાવ હત્યાનો હોવાનું ખુલ્યું

ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યા બાદ પીએમ રિપોર્ટમાં બનાવ હત્યાનો હોવાનું ખુલ્યું

મોરબીમાં યુવાનની બોથડ પદાર્થના ઘા મારી હત્યા થયાનો ઘટસ્ફોટ

હજુ હત્યારા અને કારણ વિશે રહસ્ય ઘૂંટાયુ

મોરબી : મોરબીમાં વાવડી ચોકડી પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા આ મૃતદેહને તાકીદે ફોરેન્સિક પીએમ માટે ખસેડાતા પીએમ રીઓર્ટમાં આ યુવાનની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.જોકે હજુ હત્યારા અને કારણ વિશે રહસ્ય ઘૂંટાયુ છે. આથી પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી હત્યારાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

મોરબીમાં વાવડી ચોકડી પાસે ગઈકાલે સવારે રાજેશ કાંતિલાલ જોશી (ઉ.વ. 22) રહે. મુ. ઓડદર પોરબંદર)ની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. આ બનાવને પગલે એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી જઈને તપાસ કરતા આ યુવાન બાલાજી વેફર્સની ફેરી કરતો હોવાનું અને તેની આ રીક્ષાના કાચ તૂટેલા અને માથામાં ઇજા હોવાનું સામે વતા પોલીસને હત્યા થઈ હોવાની શંકા ઉપજી હતી.આ બનાવ અંગે ડિવિઝન પી.આઈ હકુમતસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ગઈકાલે આ યુવાન વાહન લઈને નીકળ્યા બાદ આજે આ યુવાનનો મૃતદેહ વાહનમાં મળી આવ્યો હતો. બનાવ શંકાસ્પદ હોવાથી લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી હતી. આથી પીએમ રિપોર્ટમાં પણ યુવાનની માથાના ભાગે બોથડ પદાર્થ મારીને હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે.જેથી પોલીસે નિખિલ શિવલાલભાઈ બારેજિયાની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.