Saturday - Jul 04, 2026

મોરબીમાં યુવતીની હત્યા કરનાર યુવાનનું પણ રહસ્યમય મોત

મોરબીમાં યુવતીની હત્યા કરનાર યુવાનનું પણ રહસ્યમય મોત

પોલીસે આરોપી યુવાનને અટકમાં લીધા બાદ અચાનક મોત થયું : હવે મોતનું કારણ બહાર લાવવા મથામણ

મોરબી : મોરબીમાં એક યુવાને યુવતીને માર મારતા તેનું મોત નીપજ્યું છે. બીજી તરફ આરોપી યુવાનને પોલીસે હસ્તગત કર્યા બાદ ભેદી રીતે તેનું પણ ઓચિંતું મોત થયું હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. હાલ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબીના લખધીરપુર રોડ ઉપર લેક્ષસ સિરામિકના લેબર ક્વાર્ટરમાં નરેન્દ્રસિંઘ કમાસિંહ ધ્રુવેલ ઉ.વ.25 અને પુષ્પાદેવી ગંભીરસિંઘ મરાવી ઉ.વ.20 સાથે રહેતા હતા. બન્ને લિવ ઇનમાં રહેતા હતા કે સગાઈ થઈ હતી તે હજુ સામે આવ્યું નથી. દરમિયાન ગઈકાલે સાંજે કોઈ કારણોસર યુવાને યુવતીને ઢોર માર માર્યો હતો. જેમાં યુવતીનું મોત નીપજ્યું હતું. પોલીસે આરોપી યુવાનને હસ્તગત કર્યો હતો. ત્યાં ઓચિંતું તેનું પણ મોત નીપજ્યું હતું. આમ બન્નેના મોત થતા મૃતદેહોને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે ડીવાયએસપી વી.બી.દલવાડી અને તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ સહિતના અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ફોરેન્સિક પીએમ બાદ બન્નેના મોતનું સાચું કારણ બહાર આવશે તેવું જાણવા મળી રહ્યું છે.