Saturday - May 18, 2024

હળવદમાં આધેડની હત્યાનો ભેદ ખુલ્યો : નજીવી બાબતે કૌટુંબિક સગાએ ધુળેટીના રંગે બદલે લોહીના રંગની બોછાર કરી દીધી

હળવદમાં આધેડની હત્યાનો ભેદ ખુલ્યો : નજીવી બાબતે કૌટુંબિક સગાએ ધુળેટીના રંગે બદલે લોહીના રંગની બોછાર કરી દીધી

 હળવદમાં ધુળેટીના પર્વ ઉપર કુદરતી કલરોથી એકબીજાના મોઢા સ્નેહથી રંગીને દરેકના જીવનમાં ઉમગનો રંગ ભરી દેવાના આ તહેવાર દરમ્યાન રંગની બોછારને બદલે ખૂની ખેલ ખેલાયો હતો અને એ પણ બે કૌટુંબિક સગાઓ વચ્ચે સાવ મામુલી વાતે એક આધેડના પ્રાણ હરી લેવામાં આવ્યા હતા. જેમાં બાઇક  ઉપર દ્વારકા જતા સમયે પાછળ રહી ગયેલા શખ્સે પરત ગામમાં આવી ઝઘડો કરી આધેડને છરીના ઘા ઝીકી વચ્ચે પડેલા તેમના પત્નીને પણ છરી ઝીકી દેતા બન્નેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા ગંભીર ઇજા થવાથી આધેડનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે.

હળવદ તાલુકાના ચુપણી ગામે રહેતા રામાભાઇ મોહનભાઇ ઓળકીયા ઉ.વ 55ની  હોળી ધુળેટીના પૂર્વ ઉપર ક્રૂર હત્યા કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં હળવદ પોલીસે ઉંડાણથી છાંનબીન કરતા મૃતકના કૌટુંબિક સગા એવા આરોપી ગણેશભાઇ વાલજીભાઇ ઓળકીયાએ છરીના ઘા ઝીકી હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું હતું. આ હત્યાના બનાવ અંગે મૃતકના પુત્ર ભરતભાઈ રામાભાઇ ઓળકીયાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ચારેક દિવસ પહેલા તેમના પિતા રામાભાઇ અને આરોપી ગણેશભાઈ બાઇક પર દ્વારકાધીશના દર્શને ગયા ત્યારે આરોપી ગણેશભાઈ પાછળ રહી ગયા બાદ આરોપી પરત ચુપણી ગામે આવી મૃતક રામાભાઇ સાથે ઝઘડો કરી તું કેમ મારી સાથે રહ્યો ન હતો ? હવેથી મારા ખેતરમાંથી ચાલતો નહીં જેવી ખરી ખોટી સંભળાવતા મૃતક રામાભાઇએ પણ આરોપી ગણેશને તેના ખેતરમાંથી નહિ નીકળવાનું ઉગ્ર જીભાજોડી સાથે કહેતા મામલો ગરમાયો હતો. આથી ઉશ્કેરાયેલા આરોપી ગણેશેએ છરીના ઘા ઝીકી દઈ રામભાઈની કરપીણ હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં વચ્ચે પડેલા મૃતકના પત્ની વાલીબેનને પણ હાથમાં ઈજાઓ પહોંચાડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃતકના પુત્ર ભરતભાઈ રામાભાઇ ઓળકીયાની ફરિયાદને આધારે હત્યા અંગે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.