મોરબી : મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ વરિયાનગરમાં વરિયા મંદિર પાસેના પ્લોટની માથાકૂટમાં વૃદ્ધની હત્યા કરવાના ઇરાદે એક શખ્સે છરી ઝીકી ખૂની હુમલો કર્યાનો કેસ આજે મોરબી કોર્ટે ચાલી જતા કોર્ટે વૃદ્ધ પર ખૂની હુંમલના કેસમાં સજ્જડ પુરાવા અને સરકારી વકીલની ધારદાર દલીલો ધ્યાને લઇ આરોપીને કસૂરવાર ઠેરવી સાત વર્ષની સજા ફટકારી હતી.
આ કેસની વિગત એવી છે કે, મોરબીના સામાકાંઠે આવેલ પરશુરામનગરમાં રહેતા કાનજીભાઈ કુંવરજીભાઈ બારેજીયા ગત તા.3/12/ 2018ના રોજ સોઓરડી પાછળ આવેલ વરિયા મંદિરે નિત્યક્રમ મુજબ દર્શને ગયા બાદ ત્યાં આવેલા પ્લોટને તેમના મોટા પુત્ર શંકરભાઈ માટે લવજીભાઈ ઉભડીયા પાસેથી જમીનની કાયદાકીય પ્રોસીઝરથી કાયદેસર રીતે વેચાતો લીધો હતો. જો કે આ પ્લોટ બાબતે ત્યાંના રહેવાસી ભરતભાઇ મનુભાઈ પ્રસાદ અને તેમના દીકરાઓ સામે કેસ કર્યો હોય એ કેસ કોર્ટમાં ચાલુ છે. દરમિયાન ઉપરોક્ત તારીખે તેઓ પોતાના પ્લોટ પાસે ઉભા હતા. ત્યારે આરોપી બેચરભાઈ જગજીવનભાઈ ચાઉ ત્યાં રીક્ષા લઈને આવી આ પ્લોટ મારા સાળા ભરતભાઇ મનુંપ્રસાદનો છે તેવું કહી ગાળા ગાળી અને ઉગ્ર બોલાચાલી કરી ઉશ્કેરાય જઈ કાનજીભાઈના પેટના ભાગે છરીનો જીવલેણ ઘા મારતા તેમને લોહીલુહાણ હાલતમાં તાકીદે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનો જીવ બચી ગયો હતો. બાદમાં તેઓએ આરોપી બેચરભાઈ વિરુદ્ધ ખૂની હુમલાની ફરિયાદ નોંધાવતા આ અંગેનો કેસ આજે મોરબીની જજ વિરાટ બુદ્ધની કોર્ટમાં ચાલી જતા કોર્ટે પુરાવા અને સરકારી વકીલ સંજયભાઈ દવેની ધરધાર દલીલોના આધારે આરોપીને દોષિત ઠેરવી સાત વર્ષની સજા ફટકારી છે.