વાંકાનેર તાલુકાનું ધરમનગર માત્ર કહેવા પૂરતું જ ગામ છે. કારણ કે આ ગામમાં સુવિધાઓના કોઈ નેઠા જ નથી.સાત વર્ષ પહેલાં આ ગામ નોખું પડ્યું હતું. વાંકાનેરનું એક પરું ગણાતું હતું. પણ આ પરુ નગરપાલિકા કે વિધાનસભા એકેયમાં આવતું ન હોવાથી સ્થાનિક લોકોએ કા નગરપાલિકામાં ભેળવો કા અલગ ગ્રામ પંચાયત બનાવો એટલે નગરપાલિકામાં શક્ય ન હોવાથી અલગ ગ્રામ પંચાયત બનાવવામાં આવી પણ આજે સાત વર્ષે પણ આ ગામમાં ગાંમડા જેવી કહી શકાય એવી એકપણ મહત્વપૂર્ણ સુવિધા નથી.
વાંકાનેરના ધરમનગર ગામના સરપંચ ફુલીબેન જશુભાઈ ગોહિલના જણાવ્યા મુજબ તેમનું ગામ 7 વર્ષ પહેલાં બનેલું હોય પણ વસ્તી આશરે 4 હજારની છે. આ ગામ વાંકાનેર શહેરમાંથી નવું બન્યું છે. પહેલા વાંકાનેરનો પરા વિસ્તાર હતો. સાત વર્ષ પહેલાં આ પરા વિસ્તારનું અસ્તિત્વ ન હોય એટલે જે તે વખતે સ્થાનિકોની માંગથી પુર્વ મંત્રી કવાડિયાની દરમિયાનગીરીથી અલગ ગામ બન્યું હતું. જો કે ગામતળ આપેલું હોય અને ખેતી ન હોવાથી મોટાભાગે નોકરિયાત જ મુખ્ય ધંધો છે. ગામમાં 4 હજારની વસ્તી છતાં એકેય આરોગ્ય કેન્દ્ર ન હોય વાંકાનેર સુધી ધક્કા ખાવા પડે છે. આ ઉપરાંત ગામના ઓનલાઈન ડેટા નાખવાના બાકી છે. આંગણવાડી કે, પ્રાથમિક શાળા પણ નથી. રોડ રસ્તા પણ માત્ર 40 ટકા જ સારા છે. ભૂંગર્ભ ગટર યોગ્ય છે. પણ કચરા નિકાલની વ્યવસ્થા નથી.પીવાના પાણીની સમસ્યા હાલ કોઈપણ જાતની નથી. પણ સાત વર્ષથી મહેકમ જ મંજુર કરતા નથી. જેથી પંચાયતના ચોપડે ચડે તો કોઈ આવક થઈ અને એનાથી ગામના વિકાસ કાર્યો થઈ શકે પણ આવી કોઈ કાર્યવાહી કરી ન હોય માત્ર સરકારે અને તંત્રએ કહેવા ખાતર જ ગામ બનાવીને ઉપેક્ષા કરી હોવાનું ગ્રામજનો બળાપો ઠાલવી રહ્યા છે.