મોરબીની સાવ નજીક એટલે નેશનલ હાઇવે પર આશરે 5 જ કિમિ દૂર આવેલા લાલપર ગામનો શહેર કરતા પણ વધુ વિકાસ થયો છે. એનું મુખ્ય કારણે હાઇવેને ટચ આવેલા આ ગામની આસપાસની સીરામીક ઇન્ડસ્ટ્રીઝ છે. એટલે આ ગામ શિક્ષિત હોવાની સાથે ખાધે પીધે સુખી સંપન્ન છે. પણ સીરામીક ઇન્ડસ્ટ્રીઝ નજીક જ હોવાથી ગામને પ્રદુષણનો ગંભીર પ્રશ્ન ન નડે એ વાતમાં કોઈ દમ નથી. હાલ ગામના સરપંચ અને અગ્રણીઓ પહેલા કરતા અત્યારે પ્રદુષણ ઘટ્યું હોવાનો દાવો કરી રહ્યા છે.
મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર આવેલ 1882થી લાલપર ગામની સ્થાપના થઇ હતી. જો કે શરૂઆતમાં આ ગામમાં ખેતી જ મુખ્ય વ્યવસાય હતો. વર્ષો પછી નળીયા ઉધોગ આવતા એમાં પણ ગામલોકો જોડતા ગયા પછીથી ખેતી પર ઓછું ધ્યાન આપતું અને હવે તો ગામમાં બહુ ઓછી ખેતી થાય છે. ગામમાં આમ તો ગટર, લાઈટ, પાણી, સફાઈ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શાળા, આંગણવાડી, ઘરેઘરે શોચાલય અને શહેરોમાં હોય તેવા આલીશાન મકાનો સહિતની બધી જ સુવિધા છે. એટલે ગામલોકોને એકેય વાતનું દુઃખ નથી. પણ ગામની શુદ્ધ હવા પ્રદુષિત થાય એવો મોટો ખતરો છે. કારણ કે છ હજારની વસ્તી ધરાવતા આ ગામનો મુખ્ય વ્યવસાય સીરામીક ઇન્ડસ્ટ્રીઝ છે. ગામના અનેક લોકો ઉધોગપતિઓ તેમજ સીરામીકમાં જુદા જુદા ડીપાર્ટમેન્ટમાં ઉંચી પોસ્ટ સહિત શ્રમિક તરીકે પણ કામ કરે છે. એટલે લાલપર આસપાસ 300 જેટલી સીરામીક ફેકટરીઓ હોય આ ગામના મોટાભાગના લોકો કોઈને કોઈ રીતે સીરામીક સાથે સંકળાયેલા છે. આ ગામ સાહસિક છે. એમાં કોઈ બે મત નથી. પણ ઉદ્યોગો મોટા પ્રમાણમાં હોય એટલે ગામમાં પ્રદુષણનો પ્રશ્ન રહેવાનો જ. પણ ગામના સરપંચ અને અગ્રણીઓના કહેવા મુજબ સીરામીકમાં પહેલા કોલગેસ વપરાતો હોય તે જન આરોગ્ય માટે ખતરનાક હોય થોડા વર્ષો પહેલા જ કોલગેસનો વપરાશ બંધ થઈ જતા હવે નેચરલ ગેસ આધારિત ઉધોગ ચાલતો હોવાથી પ્રદુષણનું પહેલા જેવું ખતરનાક જોખમ જ નથી. પણ ઉધોગો હોવાથી પ્રદુષણની તલવાર લટકતી જ રહેવાની છે. સાથેસાથે હાઇવે ટચ હોવાથી ટ્રાફિકનો પણ ગંભીર પ્રશ્ન છે.