હળવદ : હળવદ પંથકના કોયબા, સુંદરીભવાની અને ઘનશ્યામપૂર ગામની 300 વીઘાથી વધુ સરકારી જમીન બોગસ ડોક્યુમેન્ટને આધારે પચાવી પાડવાના મહાકૌભાંડમાં બે મહિના પૂર્વે નવ આરોપીઓ વિરુદ્ધ મામલતદારે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ધરપકડનો દૌર શરૂ કરી આરોપીઓને ઝડપી લીધા હતા જેમાં બનાવટી સહી સિક્કાના આધારે જમીન હડપ કરવાના કૌભાંડનો માસ્ટર માઈન્ડ પોલીસના હાથ લાગ્યો ન હતો. જો કે, હળવદ પોલીસે બાતમીદારોના નેટવર્કનો સહારો લઇ અંતે સમગ્ર પ્રકરણના મુખ્ય સૂત્રધારને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામના અલગ અલગ સર્વે નંબરની સરકારી 300 વિઘાથી વધુ સરકારી જમીન બોગ ડોક્યુમેન્ટને આધારે હડપ કરવા પ્રકરણમાં હળવદના મામલતદાર અલ્કેશ ભટ્ટ દ્વારા આરોપી રમેશભાઈ બાબાભાઈ કોળી રહે.કોયબા તા.હળવદ, છગનભાઈ નાગજીભાઈ ધારિયા રહે.હળવદ, બીજલભાઇ અમરશીભાઈ કોળી રહે.કોયબા, દલાભાઈ રણછોડભાઈ ડાભી રહે.મનડાસર (તા. થાન), દિનેશભાઈ હમીરભાઇ વનાણી રહે.ઘનશ્યામપુર, રાઠોડ માવજીભાઈ ડાભાભાઇ રહે. ઘનશ્યામપુર, જશુબેન બાબુભાઈ કોળી રહે. સુંદરીભવાની, મંજુબેન રત્નાભાઇ કોળી રહે.ઘનશ્યામપુર અને વનાણી હમીરભાઈ વજુભાઈ રહે. રાયસીંગપુર તા. મુળી જિલ્લો સુરેન્દ્રનગર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જો કે, આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર આરોપી રમેશ બાબાભાઈ કોળી હાથ લાગ્યો ન હોય અંતે હળવદ પોલીસે બાતમીદારોના નેટવર્કને કામે લગાડી કોયબા ગામના રમેશ બાબાભાઈ કોળીની ધરપકડ કરી છે.
ઉલ્લખનીય છે કે, તમામ આરોપીઓએ સાથે મળી વર્ષ 2016થી વર્ષ 2020 દરમિયાન કાવતરું રચી સરકારી કચેરીઓના હોદ્દેદારોના બનાવટી રબર સ્ટેમ્પ બનાવી ખરા તરીકે ઉપયોગ કરી સક્ષમ સત્તા અધિકારીઓની ખોટી સહીઓ કરી ખોટા હુકમો તૈયાર કર્યા હતા અને આ બનાવટી દસ્તાવેજોના આધારે હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામના અલગ અલગ સર્વે નંબરની સરકારી 300 વિઘાથી વધુ સરકારી જમીન પોતાના નામે હોવાના દાવા કરી આવી જમીનની રેવન્યુ રેકર્ડમાં નોંધ પણ કરાવી લીધી હતી. જો કે, સમગ્ર મામલે મોટા માથાઓની સંડોવણીની પણ પ્રબળ આશંકાઓ છે ત્યારે આરોપી રમેશ બાબાભાઈ કોળીની પૂછતાછમાં શું વિગતો બહાર આવે છે તે જોવું રહ્યું.