પોરબંદર: પોરબંદરના માધવપુર ઘેડ લોકમેળામાંના અંતિમ દિવસે મોરબી અને પોરબંદરના કલાકારોની મનમોહક પ્રસ્તુતિઓ કરી હતી, જેમાં મોરબીના ડાયરેક્ટર & કોરિયોગ્રાફર રવિરાજભાઇ પૈજા, અરુણાબેન મારુ અને અલ્કેશભાઈની ટીમે માધવપુરને કૃષ્ણ ભક્તિમય બનાવી દીધું હતું, આ તકે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા અને કાંધલ જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે ૩૧ માર્ચે દ્વારકા ખાતે 'રુકમણી સત્કાર સમારોહ' પણ યોજાયો હતો.
પોરબંદરના માધવરપુર ઘેડ ગામે તા. ૩૦ ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી શ્રી રુકમણીજીના પાવન વિવાહ પ્રસંગે ઉજવાતા જગવિખ્યાત 'માધવપુર ઘેડ લોકમેળા'ના ચોથા દિવસે માધવપુર ખાતેના કાર્યક્રમોનું ભવ્ય સમાપન થયું હતું. અંતિમ દિવસની રાત્રીએ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકકલા, નૃત્ય અને કૃષ્ણ ભક્તિનો અદભુત સંગમ જોવા મળ્યો હતો.
આજના આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોરબી તથા પોરબંદરના કલાકારોએ શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના અદ્વિતીય પ્રેમ તથા તેમના પવિત્ર વિવાહ પર આધારિત સુંદર નૃત્ય નાટિકા પ્રસ્તુત કરી હતી. ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર રવિરાજભાઇ પૈજા, અરુણાબેન મારુ તથા અલ્કેશભાઈ અને તેમની ટીમના કલાકારોએ લોકકલાની એવી ઉત્તમ પ્રસ્તુતિ કરી કે સમગ્ર માધવપુર ઘેડ મેળાનો માહોલ કૃષ્ણ ભક્તિમય બની ગયો હતો અને શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
આ ભવ્ય સાંસ્કૃતિક સંધ્યામાં માંગરોળ-માળિયાના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા અને કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત, આ પ્રસંગે પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી અને પ્રાંત અધિકારી સંદીપ જાદવ સહિતના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, માધવપુર ઘેડ ખાતેના ચાર દિવસીય કાર્યક્રમો પૂર્ણ થયા બાદ, હવે આવતીકાલે તા. ૩૧ માર્ચના રોજ પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે 'રુકમણી સત્કાર સમારોહ' અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં નવદંપતીનું ભવ્ય સ્વાગત કરાશે.