Sunday - Apr 26, 2026

મેડિકલ કોલેજની દુર્ઘટનામાં છેલ્લો ફસાયેલો શ્રમિકને પણ બચાવી લેવાયો દુર્ઘટનામાં ક્યાંય કાચું ન કપાય કે ભગો ન થાય એટલે બધા જ સબંધીતો મોની બાબા બની ગયા

મેડિકલ કોલેજની દુર્ઘટનામાં છેલ્લો ફસાયેલો શ્રમિકને પણ બચાવી લેવાયો

દુર્ઘટનામાં ક્યાંય કાચું ન કપાય કે ભગો ન થાય એટલે બધા જ સબંધીતો મોની બાબા બની ગયા

મોરબી રાજકોટ હાઇવે ઉપર મોરબીથી થોડા અંતરે આવેલ શનાળા ગામ નજીક કરોડોના ખર્ચે નવી બની રહેલી મેડિકલ કોલેજના બીજા માળની  છતનો સ્લેબ ભરવાનું ગતરાત્રે કામ ચાલુ હોય ત્યારે જ એ છતના ટેકા માટે રાખેલા મજબૂત લાકડા ધારાશાયી થતા બીજા માળની ભરાતી સ્લેબનું આખું સ્ટ્રક્ચર નીચે પડતા ત્યાં કામ કરતા પાંચ જેટલા મજૂરો આ કાટમાળ હેઠળ દટાય જતા તુરંત જ સ્થાનિક મજૂરો અને ફાયર બ્રિગેડના સ્ટાફે આકરી જહેમત ઉઠાવી કાટમાળ હેઠળ દટાયેલા ચાર શ્રમિકોને રાત્રીના 11 વાગ્યા સુધી બહાર કઢી લેતા અને છેલ્લા એક મજૂરનું માથું ખુલ્લું દેખાતા તેને ઓક્સિજન આપી એને પણ બહાર કાઢી લેવાયો હતો.

મેડિકલ કોલેજની દુર્ઘટનામાં ફસાયેલા પાંચે પાંચ મજૂરોને બચાવી લેવાયા હતા અને એ તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. એટલે આ ઘટનામાં કોઈ જામહાની થઈ નથી. પણ આખું સ્ટ્રક્ચર નીચે પડતા ક્યાંક તો ચૂક થઈ છે, નહિતર અવડું મોટું સ્ટ્રક્ચર પડે નહીં અને જો સમસ્યા ફાયરબ્રિગેડ પહોંચ્યું ન હોત તો દુર્ઘટના મોટી સર્જાત. પણ આ ઘટના નાની સુની તો ન જ કહેવાય. પણ સૌથી ગંભીર બાબત એ છે કે રાત્રે એક માત્ર દુર્લભજીભાઈ સીવાઈ કોઈ પદાધિકારીઓ કે કલેકટર જેવા અધિકારીઓ ડોકાયા ન હતા અને કદાચ સરકાર આગામી લોકસભાની ચૂંટણી ટાણે આ મુદ્દો દબાવી દેવા માંગતી હોય એમ રાખે ને ક્યાંક કાચું કપાઈ જાય તો નુકસાન થાય એમ હોય એટલે કોઈ નેતા કે અધિકારીઓને મીડિયા સમક્ષ "બફાટ' કરવાની મનાઈ કરી હોય એવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે આ બે સરકારી કામોમાં થયેલી દુર્ઘટનામાં કોઈ પણ અંગત હિત ન વિચારી અને રાજકારણને તો ક્યારેય પણ ન ઘુસાડી યોગ્ય રીતે તપાસ કરીને સરકારી કામો મજબૂત બનાવવા જોઈએ તેમજ આ દુર્ઘટના પાછળ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.