હળવદના મયાપુર ગામની સીમમાં બનેલી બનાવ
હળવદ : હળવદ તાલુકાના મયાપુર ગામમાં એક વિચિત્ર કરુણ બનાવના બપોરના સમયે માતાએ ટ્રેકટર નીચે સુવડાવેલી બે વર્ષની માસૂમ ફૂલ જેવી બાળકી ઉપર ટ્રેક્ટરનું તોતિંગ વ્હીલ ફરી વળતા બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં બાળકી જ્યારે સૂતી હતી ત્યારે બે નાના બાળકોએ ટ્રેકટર ચાલુ કરી દેતા ટ્રેકટર ચાલુ થઈ ગયું હતું અને અરેરાટી ભરી દુર્ઘટના સર્જાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના અજિતગઢ ગામના પ્રવીણભાઈ ત્રિકમભાઈ પટેલની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની સુનિલભાઈ રતનભાઈ વાનીયાની 2 વર્ષની પુત્રી ચાંદનીને તેની માતાએ ગત તા.17ના રોજ મયાપુર ગામની સીમમાં ખેત મજૂરી કરતી વખતે ટ્રેકટરની ટ્રોલી નીચે છાંયડામાં સુવડાવી હતી. આ સમયે ચાંદનીના માસીના બે દીકરાઓ પણ ત્યાં રમતા હતા અને રમતા રમતા ટ્રેકટર ચાલુ કરી દેતા ટ્રેકટર ચાલુ થઈ જતા ટ્રોલીનું તોતિંગ વ્હીલ માસૂમ ચાંદની ઉપર ફરી વળતા બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.