જાગૃત નાગરિકની મદદથી 181 અભયમ ટીમે પતિ પત્નીના ગૃહ ક્લેશનો અંત લાવી ફરી બન્ને વચ્ચે સુમેળ કરાવ્યો
મોરબી : મોરબીમાં એક દંપતિ વચ્ચે થયેલા ગૃહ ક્લેશે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં પતિ પત્ની વચ્ચે ઘરકંકાસમાં ઝઘડો થયા બાદ પતિએ પત્નીને રસ્તામાં ન એકલી છોડીને ચાલતી પકડી હતી. આ પત્ની રડતી હાલતમાં દેખાતા સદભાગ્યે એક જાગૃત નાગરિકની મદદથી 181 અભયમની ટીમે તુરંત જ સ્થળ પર પહોંચી સમગ્ર મામલો સંભાળી લીધો હતો. અભયમની ટીમે દામ્પત્યજીવનમાં સુખ દુઃખ ગમે તેવી કપરી પરિસ્થિતિ આવે તો પણ સાથ ન છોડીને એ પરિસ્થિતિનો સામનો કરી નાની નાની વાતમાં કોઈપણ જાતનો ક્લેશ ન કરીને હમેશા એકબીજાની ખુશી વિશે જ વિચારીને તેની ભાવનાને ક્યારેય ઠેસ પહોંચે એવું કાર્ય ન કરવા સમજાવી બન્ને પતિ પત્ની વચ્ચેનું ઝઘડાનું સુખદ સમાધાન કરાવ્યું હતું.
મોરબી 181 અભયમ મહિલા હેલ્પલાઈન ટીમ ફરી એકવાર દંપતિ વચ્ચેના ઝઘડામાં સુમેળ કરાવ્યો હતો. જેમાં 181 અભયમ ટીમને જાગૃત વ્યક્તિએ જાણ કરી હતી કે, એક અજાણી મહિલા ઘણા સમયથી એકલા બેઠા છે અને રહી રહ્યા છે. તેમને તાત્કાલિક મદદ જરૂર હોવાનું કહેતા જ 181 અભયમ ટીમના કાઉન્સિલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ રમીલાબેન તથા પાયલોટ મહેશભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પીડિત મહિલાની મદદ માટે પહોંચ્યા હતા. જ્યાં સૌપ્રથમ પીડિત મહિલાને સાંત્વના આપી વિશ્વાસમાં લઈને પ્રાથમિક માહિતી મેળવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે તેમને પતિ સાથે ઝઘડો થતાં તેમના પતિ રસ્તામાં તેઓને એકલા મૂકીને ચાલ્યા ગયા છે.આ પીડિત મહિલાના જણાવ્યા મુજબના સરનામે પહોંચી તેમના પતિને મળીને પતિનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, પત્ની નાની-નાની બાબતોમાં ઝઘડો કરતી હતી. આથી આ પતિ પત્નીના ગૃહ ક્લેશનો આખો મામલો જાણીને 181 અભયમ ટીમે પતિ-પત્નીને સમજાવી, સલાહ સૂચન, માર્ગદર્શન અને કાયદાકીય માહિતી આપી હતી અને ભવિષ્યમાં ઝઘડા ન કરવા જણાવ્યું હતું. આમ અભયમ ટીમે પીડિત મહિલાનું પતિ સાથે સુખદ મિલન કરાવ્યું હતું. અને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડ્યા હતા.