Friday - Jul 17, 2026

મોરબીમાં ઘરધણી બહારગામ ગયા અને પાછળથી તસ્કરોએ ઘર સાફ કરી નાખ્યું

મોરબીમાં ઘરધણી બહારગામ ગયા અને પાછળથી તસ્કરોએ ઘર સાફ કરી નાખ્યું

વહેલી સવારે ઇકો કારમાં આવીને તસ્કરો 4 લાખની ઘરફોડ ચોરી કરીને ફરાર

મોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલ રામ ઓર શ્યામ પાર્કમાં રહેતા ફ્રુટનો વ્યવસાય કરતા વેપારીના ઘરમાં તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરોએ મકાનમાંથી રૂ. 4 લાખ રોકડની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.જેમાં ઘરધણી બહારગામ ગયા હતા અને પાછળથી તસ્કરોએ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો.

મોરબીના નવલખી રોડ ઉપર રામ ઓર શ્યામ પાર્કમાં રહેતા અને ફ્રુટનો વ્યવસાય કરતા કાનાભાઈ કાથરાણી શુક્રવારે બહારગામ ગયા હતા. શનિવારે સવારે 9 વાગ્યે આવીને ઘરે જોયું તો તાળા તૂટેલા જોવા મળતા તેમના હોશકોશ ઉડી ગયા હતા.આથી ઘરમાં તપાસ કરતા ઘરના કબાટના નકુચા તોડી રૂ.4 લાખની કોઈ ચોરી કરી ગયાનું માલુમ પડ્યું હતું. આ ઉપરાંત કપડા પણ વેરવિખેર પડ્યા હતા. આ મામલે પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસની ટિમ તપાસ અર્થે ઘરે આવી પણ હતી.આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરાતા તેમાં શનિવારે સવારે 4:45 વાગ્યે તસ્કરોએ આ ઘટનાને અંજામ આપી હોવાનું જણાઈ આવે છે. વધુમાં તસ્કરો ઇકો કારમાં આવ્યા હોવાનું તેમાં દેખાઈ રહ્યું છે. હાલ આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.