મોરબી : માળીયા પંથક વર્ષોથી વિકાસથી જોજનો દૂર છે. ત્યારે માળિયા મિયાણા શહેરના વિવિધ પ્રાણ પ્રશ્નોને લઈને સામાજિક કાર્યકર દ્વારા શરૂ આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતુ. આજે સામાજિક કાર્યકરની તબિયત લથડી હોય તેઓને મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
માળીયા મિયાણા શહેરને નવા બસસ્ટેન્ડની સુવિધા આપવી, રેફરલ હોસ્પિટલ નવી બનાવવામાં આવે તેમજ માળીયા મિયાણા મામલતદાર કચેરી અન્યત્ર ન ખસેડવામાં આવે તે સહિતની બાબતોને લઇ માળીયા મિયાણાના સામાજિક કાર્યકર જુલ્ફીકારભાઈ સંધવાણી દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જેને અન્ય સંગઠનોનું સમર્થન પણ મળ્યું છે આજે જુલ્ફીકારભાઈની તબિયત લથડતા તેઓને પ્રથમ માળિયા સીએચસી ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી મોરબી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.