મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના જવાનોને ગઈકાલે રાત્રે 9 થી આજ દિવસભર વિવિધ સ્થળે ત્રણ આગ લાગવાની ઘટનાની જાણ કરવામાં આવી હતી. આથી ફાયર બ્રિગેડ સ્ટાફે તુરત જ મોરબી નજીક આવેલ પીપળીયા ચાર રસ્તા પાસે ક્રિસ્ટલ કાર્બન કોલસાનાં કારખાનાંમાં લાગેલી આગ, વાંકાનેર-ચોટીલા હાઈવે પર ઓઇલ મીલ જીનમાં લાગેલી ભીષણ આગ અને એક અન્ય સ્થળ સહિત ત્રણ સ્થળોએ આગ બુઝાવી નાખી હતી.
મોરબીના પીપળીયા ચાર રસ્તા પર આવેલ ક્રિસ્ટલ કાર્બન કોલસાનાં કારખાનાંમાં ગતરાત્રે આગ લાગી હતી અને જોતજોતામાંમાં આગ આખા કારખાનામાં ફેલાય ગઈ હોય ફાયર બ્રિગેડ આગ બુઝાવે પહેલા મોટું નુકસાન થયાનો અંદાજ છે. જ્યારે વાંકાનેર ચોટીલા હાઈવે પર ભારત ઓઇલ મીલ જીનમાં રૂના મસમોટા ઢગલાઓમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. જેથી કારખાનામાં રહેલા રૂનો મોટો જથ્થો આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. જો કે ફાયર બ્રિગેડ સ્ટાફે પણ આગને બુઝાવી નાખી હતી. મોરબી નજીક આવેલ આમરણ અને ફરસર ગામ વચ્ચે ખુલ્લા ઘાસમાં આગ લાગી હતી. ફાયર ટીમની સારી કામગીરીની કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ફાયરના ત્રણ કોલમાં કોઈ જાનહાની થયેલ નથી અને આગ લાગવાનું કારણ પણ જાણવા મળ્યું ન હતું.