મોરબીમાં ગઠિયાઓના વધતા ત્રાસ મામલે વધુ એક ગઠિયાઓની કળાની ઘટના બહાર આવી છે. મોરબીના માર્કેટિંગ યાર્ડમાં જીરું વેચીને પરત જઈ રહેલા ખેતશ્રમિકને ગઠિયાનો ભેટો થઈ જતા રીક્ષામાં ઉલ્ટી ઉબકા કરવાને બહાને તેમના રૂ.50 હજાર પડાવીને ફરાર થઇ ગયાની ફરિયાદ નોંધાઇ છે.જો કે પોલીસે ફરિયાદ નોંધી તુરત જ આરોપી મહિલા અને પુરુષ ઝડપી લીધા હતા.
મોરબીના કૃષ્ણનગરમાં રાજેશભાઇ જેઠાભાઇ કાનગડની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની ગણપતભાઈ હજારીયાભાઇ ઉ.વ. 50 ગત તા.24ના રોજ મોરબી યાર્ડમાં જીરું વેચવા આવ્યા હતા અને બાદમાં યાર્ડ પાસેથી સીએનજી રીક્ષામાં બેસીને જતા હતા ત્યારે રીક્ષામાં બેઠેલા અજાણ્યા શખ્સ અને એક અજાણી મહિલાએ ઉલ્ટી ઉબકા કરવાનું બહાનું કરી ગણપતભાઈ પાસે રહેલ જીરું વેચાણના રૂ. 50 હજારની તફડંચી કરી લેતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે નવા બસ સ્ટેન્ડ ખાતેથી સી.એન.જી. રીક્ષા નં. GJ-03-BX-6186માં ગુનાને અંજામ આપનાર આરોપી ઇરફાનભાઈ મહમદભાઈ અબુમીયા (ઉ.વ.24) અને કાંતાબેન હરિભાઈ ડાભી (ઉ.વ.65)ને સી.એન.જી. રીક્ષા, એક મોબાઈલ મળી કુલ 1,25,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.