મોરબી તાલુકા પોલીસે 6 જુનના રોજ ટીબંડી ગામના પાટિયા નજીકથી શંકાસ્પદ યુરિયા ખાતર ભરેલું આઇસર ઝડપી લીધા બાદ ખેતીવાડી વિભાગની તપાસમાં આ ખાતર યુરિયા ખાતર જ નીકળ્યું હતું. આ ખાતર નિમ કોટેડ યુરિયા જ હોવાનું ખુલતા બે આઇસર ચાલક અને યુરિયા ખાતરનો જથ્થો ભરી આપનાર તેમજ મંગાવનાર ચાર આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ફરિયાદ નોંધાઇ છે.
મોરબી પંથકમાં સનમાઈકા લેમીનેટના અનેક કારખાનાઓમાં ગેરકાયદે ખેડૂતોના હિસ્સાના સરકારના સબસીડી યુરીયા ખાતરનો રેઝીન બનાવવામાં બેફામપણે ઉપયોગ થાય છે તે હકીકત વચ્ચે 6 જુનના રોજ મોરબીના ટીબંડી પાટિયા નજીક એક શંકાસ્પદ આઇસરમાં ખાતરની બેગ બદલાવી નાખી ભરવામાં આવેલ 16280 કિલોગ્રામ યુરિયા ખાતરનો જથ્થો પકડાઈ જતા પોલીસે મોરબી ખેતીવાડી વિભાગના અધિકારી મારફતે નમૂના લેવડાવી પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલતા આ ખાતર નિમકોટેડ યુરિયા જ હોવાનું ખુલતા મોરબી તાલુકા પોલીસે જાતે ફરીયાદી બની બે આઇસર ચાલક સહિત કુલ ચાર આરોપીઓ પ્રવીણ રણજીતભાઈ ઠાકોર,દિનેશ કાળુભાઇ નાથજી,વિજય ભરવાડ, મુન્નાભાઈ ઝાલાભાઈ ગોલતર સામે ફરિયાદ નોંધાવી છે.
માલ અમદાવાદ મોકલવાનો હોવા છતાં આઇસર ચાલક મોરબી કેમ આવ્યો ?
હળવદ તાલુકામાંથી યુરિયા ભરી અમદાવાદ મોકલવામાં આવી રહ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે પરંતુ જો અમદાવાદ માલ મોકલવામાં આવનાર હોય તો આઇસર ચાલક મોરબીના ટીબંડી શા માટે આવ્યો તે મોટો સવાલ છે, જો કે આઇસરમાં પંચર પડતા એક આઇસરમાંથી બીજા આઇસરમાં માલ ફેરવણી દરમિયાન સમગ્ર મામલો પોલીસ ચોપડે ચડ્યો હતો.