અગ્નિદાહ માટેના ખાટલા તૂટી પડ્યા, ઠાઠડી અને બેઠકોની સગવડનો અભાવ, લાકડા પલળીને નકામા થયા, દીવાલ, છત તૂટી ગઈ
મોરબી : મોરબીના બે મુખ્ય સ્મશાન ગૃહો કૈલાસધામ અને મુક્તિધમની ખંડેર જેવી હાલત થઈ ગઈ છે. જો મોરબીમાં લોકોને જીવતા તો સુવિધા મળતી નથી. પણ મૃત્યુ પછી મોતનો મલાજો પણ ન જળવાઈ તે હદે અપમાનજનક સ્થિતિ થાય છે. કારણ કે બન્ને સ્મશાન ગૃહોમાં સુવિધાના નામે મીંડું છે. અગ્નિદાહ માટેના ખાટલા તૂટી પડ્યા, ઠાઠડી અને બેઠકોની સગવડનો અભાવ, લાકડા પલળીને નકામા થયા, દીવાલ, છત તૂટી ગઈ જેવી ગંભીર પરિસ્થિતિને કારણે મૃતદેહોનું માન સન્માન જળવાતું ન હોવાથી માનવતા શર્મસાર થઈ છે.
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલું વર્ષો જૂનું સ્મશાન ગૃહ એટલે કૈલાસધામ અને બીજું સ્મશાન ગૃહ શહેરના લીલાપર રોડ ઉપર આવેલા મુક્તિધામ હાલ ખંડેર જેવી હાલતમાં પહોંચી ગયા છે. કૈલાસધામ અને મુક્તિધામમાં અગ્નિદાહ માટેના ખાટલા તૂટી પડયા છે. ઠાઠડીઓ અને બેઠકોની સગવડ નથી. મૃતદેહોના અગ્નિ સંસ્કાર માટે લાકડા પલળી ગયેલા અને બિન ઉપયોગી થઈ ગયા છે. શેડ, દીવાલો તૂટી પડ્યા છે. છત પણ તૂટી ગઈ છે. શૌચાલય અને બાથરૂમના બારણા નથી તે પણ તૂટી ગયા છે. હિન્દૂ ધર્મમાં માન્યતા છે કે, સ્નાન અને ઠારીને ઘરે પરત જવું જોઈએ પરંતુ અહીંયા તો દશા ખરાબ છે. આખું સ્મશાન વિસ્તરણ જોખમી હાલતમાં પહોંચી ગયું છે.
લીલાપર રોડ ઉપર આવેલા મુક્તિધામમાં અંદર સ્થાપિત શંકર ભગવાનની પ્રતિમા ખંડિત હાલતમાં છે. તે એક શરમજનક બાબત કહેવાય. આ સ્મશાનમાં આવેલા 7થી10 જેટલા બાથરૂમમાં પાણીની સગવડ નથી. તેમજ દરવાજા , દીવાલો, છત તૂટી પડવાની હાલતમાં છે. બેસવા માટેની ખુરશીઓ તૂટેલી અને ધૂળધાણી થયેલી છે. અંતિમ સંસ્કાર માટે આવતા સગા વ્હાલા, સંબંધીઓને છાંયો કે પીવાના પાણી જેવી મૂળભૂત જરૂરિયાત ઉપલબ્ધ નથી. જો કે મોરબીના પાંજરાપોળ વિસ્તારમાં લાખો રૂપિયાનું ફંડ હોવા છતાં હજુ લાખોનું દાન આવતું જ રહે છે. ત્યાં ઓફિસ માટે એસી રૂમ તથા આધુનિક બિલ્ડીંગ ઉભું કરી દેવામાં આવે છે. પરંતુ અંતિમ સંસ્કાર જેવી માનવ ગૌરવ સાથે જોડાયેલી જગ્યા પર વર્ષોથી એક ઈંટ પણ મુકાઈ નહિ તે જવાબદાર તંત્રની નિષ્ક્રિયતા અને ઉદાસીનતાનો નાદાર નમૂનો છે. આથી તાત્કાલીક ધોરણે આ બન્ને સ્મશાન ગૃહો કૈલાસધામ અને મુક્તિધામનું સંપૂર્ણપણે રીનોવેશન કરી અંતિમ સંસ્કાર માટે માનવ સન્માનને યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવાની માંગ સાથે સામાજિક કાર્યકરો રાજુ દેવે, જગદીશ બાંભણીયા, ગિરીશ કોટેચા, રાણેવડીયા દેવેશએ કલેકટર, પાંજરાપોળના સંચાલક અને રાજ્ય મંત્રી અમૃતિયાને રજુઆત કરી છે. તેમ છતાં સ્મશાનનું રીનોવેશનનું કામ નહીં થાય તો જનતાને સાથે રાખીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.