Thursday - Jul 02, 2026

મોરબીની જનરલ હોસ્પિટલના તબીબો યુવતી માટે બન્યા તારણહાર

મોરબીની જનરલ હોસ્પિટલના તબીબો યુવતી માટે બન્યા તારણહાર


મોરબી : કહેવાય છે કે ધરતી પર ડોક્ટર એ ભગવાનનું બીજું રૂપ છે, અને આ વાત મોરબીની સરકારી હોસ્પિટલના તબીબોએ ફરી એકવાર સાબિત કરી બતાવી છે. એસિડ પી જવાને કારણે ખોરાક લેવામાં અસમર્થ બનેલી 20 વર્ષની યુવતી પર અત્યંત જટિલ એવી લેપરોસ્કોપિક સર્જરી કરી મોરબીના તબીબોએ તેને નવજીવન આપ્યું છે.

એક 20 વર્ષની યુવતીએ એસિડ પી લેતા તેના પેટના માર્ગમાં ગંભીર સંકોચન (Pyloric Stenosis) થઈ ગયું હતું. આ ગંભીર સ્થિતિને કારણે યુવતી લાંબા સમયથી મોઢેથી કોઈ પણ પ્રકારનો ખોરાક લઈ શકતી નહોતી, જેના કારણે તેની હાલત દિવસેને દિવસે નાજુક બની રહી હતી.

દર્દીની ગંભીરતાને જોતા ગત તારીખ 04/12/2025 ના રોજ સૌ પ્રથમ દુરબીન પદ્ધતિ દ્વારા 'ફીડિંગ જેજુનોસ્ટોમી' કરી તેને પોષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બે મહિનાની સઘન સારવાર અને યોગ્ય સંભાળ બાદ, જ્યારે દર્દીની સ્થિતિ ઓપરેશન માટે અનુકૂળ થઈ, ત્યારે ગત 9 ફેબ્રુઆરીના રોજ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે 'ગેસ્ટ્રોજેજુનોસ્ટોમી' ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ જટિલ ઓપરેશન મોરબીના જાણીતા સર્જન ડો. વિમલ દેત્રોજા, ડો. ચિરાગ પનારા અને ડો. મિલન વિરશોડીયા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન દર્દીને સુરક્ષિત રાખવા માટે એનેસ્થેસિયા વિભાગના ડો. કરણ સોરિયા અને ડો. ઉષ્મા શાહ દ્વારા મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી.

સામાન્ય રીતે આવા મોટા ઓપરેશનમાં ચીરો મૂકવો પડતો હોય છે, પરંતુ અહીં તબીબોએ આધુનિક લેપરોસ્કોપિક (દુરબીન) પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે દર્દીને ઓછો દુખાવો થયો, શરીર પર નાના ઘા પડ્યા તેમજ દર્દી ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ શકી. હાલ આ યુવતી સંપૂર્ણ સ્વસ્થ છે અને લાંબા સમય બાદ મોઢેથી ખોરાક લેતી થઈ છે.