વાંકાનેરનું દેરાળા આઝાદી પહેલાનું રજવાડા સમયનું હોવા છતાં હજુ આ ગામમાં વિકાસ દીવો લઈને શોધવા જેવી કપરી પરિસ્થિતિ છે. આ ગામ હજુ બાબા આદમ વખતમાં જીવતું હોય મુખ્ય સુવિધાઓનો અભાવ વચ્ચે પાણી સમસ્યા મોટી કમી છે. ગ્રામજનોના કહેવા મુજબ પીવાના પાણીની સમસ્યાથી હેરાનગતિનો પાર નથી. આ ગામમાં ઓછો સમય સુધી પાણી વિતરણ કરાઈ છે. એટલે હસનપર સંપમાંથી નર્મદાની લાઈન વાટેથી આ ગામને પાણી અપાતું હોય પણ વિતરણના સમયમાં કાપ હોવાથી પાણી અપૂરતું મળે છે. તેથી ગ્રામજનો તરસ્યા રહે છે.
વાંકાનેર તાલુકાના દેરાળા ગામના સરપંચ શોભનાબેન અશોકભાઈ ધરજિયાના કહેવા મુજબ તેમનું ગામ રાજાશાહી વખતનું હોય આશરે 2 હજારની વસ્તી ખેતી ઉપર નભતી હોય પરંતુ આ ખેતી વિકસીને ફળદ્રુપ થઈ શકે તે માટે સિંચાઇની સવલત જ નથી. વરસાદ આધારિત જ ખેતી હોવાથી વરસાદ જ્યારે સારો પડે ત્યારે ખેડૂતો લાપસીના આંધણ મૂકે અને વરસાદ ન પડે તો પાક ન મળવાથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળે છે. કચરા નિકાલ માટે કોઈ વાહન ન હોવાથી જાતે જ ગ્રામ પંચાયતને કચરાનો નિકાલ કરવો પડે છે. જો કે ગામમાં આંગણવાડી છે.
ભૂગર્ભ ગટરના પણ હજુ સુધી નેઠા નથી.
ગામનો હજુ સુધી પણ જોઈએ તેવો વિકાસ થયો નથી. કારણ કે ગામમાં માત્ર 10 ટકા જ રસ્તા સારા છે. ભૂગર્ભ ગટરના પણ હજુ સુધી નેઠા નથી. આ ગામને જોડતા અન્ય ગામના રસ્તામાં નવા દેરાળા, સધરકા, ભેરડા ગામના રસ્તા અંતરિયાળ છે. તેને પાકા કરવાની ગ્રામજનોની માંગ છે. તેમજ ખાનપરથી સાધરકા વાળો માર્ગ કાચો હોય પાકો કરવાની ખાસ માંગ છે. કારણ કે આ માર્ગ હળવદથી બાઉન્ટ્રી ને જોડતો માર્ગ છે. આ રસ્તાની સાથે ચેકડેમ પણ બનાવવાની માંગ કરી છે.