મોરબી : મોરબીના નહેરુ ગઈટ ચોક પાસે આવેલ મહિલા શૌચાલયની હાલત ખઢેર જેવી થઈ ગઈ છે. તેમાં દેશી દારૂની કોથળીઓ જ જોવા મળે છે. આ મહિલા શૌચાલયમાં ગંદકીનો પાર રહ્યો નથી. મોટર પણ ચોરાય ગઈ છે. જો કે શહેરની આન બાન અને શાન સમાન નહેરુ ગેઇટ ચોક તો સાફ થઈ ગયો પણ મહિલા શૌચાલય ક્યારે સાફ થશે એ નક્કી જ નથી.
મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગિરીશ કોટેચા, દેવેશભાઈ રાણેવડીયાએ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરતા જણાવ્યું હતું કે, મોરબીના નહેરુ ગેઇટ ચોકની આગળ જી.ઇ.બી.ની ઓફીસ પાસે મહિલા શૌચાલય આવેલું છે. ઘણી રજુઆતના અંતે વર્ષ 2017માં અહીં મહિલા શૌચાલયનો અભાવ દૂર થયો હતો. પણ જ્યારથી મહિલા શોચાલય બન્યું ત્યારથી આજદિન સુધીમાં આ મહિલા શૌચાલયની સફાઈ કરવામાં આવી નથી.હવે એ માંગ મોરબી મહાનગરપાલિકામાં કમિશનરની નિમણૂક થતા પરિપૂર્ણ થશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. મોરબી સીટી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મહિલાઓ મોટી સંખ્યામાં અહીંની બજારમાં ખરીદી અર્થે આવે છે. ત્યારે આ મહિલા શૌચાલયમાં ગંદકી હોય અને ઉપયોગ ન કરી શકતી હોવાથી મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. મહિલા શૌચાલયની શરમજનક સ્થિતિ ઘણા સમયથી હોવા છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી. જો કે અગાઉ નગરપાલિકા હતી તે સમયે અનેક રજુઆત કરવા છતાં આ મહિલા શૌચાલયની હાલત સુધારવા તંત્રએ કોઈ કામગીરી કરી નથી. હવે મહાનગર પાલિકા બનતા કમિશનર પાસે આ મહિલા શૌચાલયની હાલત સુધરે તેવી અપેક્ષા છે. આમ પણ મ્યુનિસિપલ કમિશનરે સફાઈ અભિયાન છેડયું છે ત્યારે આ અનેક મહિલાઓ માટે ઉપયોગી મહિલા શૌચાલયની સાફ સફાઈ કરાવી મહિલાઓની હાલાકી દૂર કરે તેવી માંગ કરી છે.