Saturday - May 02, 2026

મોરબી જિલ્લાના ગામડાઓના પ્રશ્નોનું નિવારણ લાવવા કલેક્ટરે અધિકારીઓને દોડાવ્યા

મોરબી જિલ્લાના ગામડાઓના પ્રશ્નોનું નિવારણ લાવવા કલેક્ટરે અધિકારીઓને દોડાવ્યા

અધિકારીઓ 31 ગામડાઓની ઓચિંતી મુલાકાત લઈ અધિકારીઓએ સુવિધાની સમીક્ષા કરી અહેવાલ તૈયાર કર્યો

મોરબી : મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રજા હિત માટે કામગીરી કરવા અને ગામડાઓની સુવિધાઓ તપાસી તેમજ ગ્રામજનોના પ્રશ્નોનું નિવારણ લાવવા અધિકારીઓને ગામડે દોડાવ્યા હતા કલેક્ટર .કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ અધિકારીઓએ ગામડાઓમાં વિવિધ સવલતો અને પ્રશ્નો બાબતે તલસ્પર્શી નિરીક્ષણ સાથે ગ્રામજનોની મુલાકાત કરી હતી. આ રીતે અધિકારીઓએ મોરબી જિલ્લાના 31 ગામડાઓની ઓચિંતી મુલાકાત લઈ સુવિધાઓ તપાસી ગ્રામજનોના પ્રશ્નો સાંભળી અહેવાલ તૈયાર કર્યો છે.

મોરબી, માળિયા, હળવદ, ટંકારા અને વાંકાનેર તાલુકાના ગામો મળી કુલ 31 ગામોમાં અધિકારીઓ દ્વારા વિવિધલક્ષી તપાસ અને સમીક્ષા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને વાંકાનેર તાલુકાના 17, મોરબીના 8, હળવદના 8 અને ટંકારાના 2 ગામોનો સમાવેશ થાય છે. આ આકસ્મિક મુલાકાત દરમિયાન ગામડાઓમાં સરકારી મકાનો અને કચેરીઓની સ્વચ્છતા, સફાઈ માટેની નિયમિત વ્યવસ્થા તથા સ્વચ્છતા ઝુંબેશની અમલવારી જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

અધિકારીઓ દ્વારા ગામડાઓમાં પહોંચી પીએચસી, સીએચસી તથા સબ સેન્ટરોની કામગીરી અને સ્ટાફની હાજરીની સઘન તપાસ કરવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન અધિકારીઓ દ્વારા ગામની દરેક કચેરી અને સરકારી મકાનોમાં સ્વચ્છતાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સ્વચ્છતા અંગેનું આયોજન, સરપંચ અને તલાટી-કમ-મંત્રી સાથે મળીને સ્વચ્છતા ઝુંબેશની અમલવારી તથા ગ્રામજનોમાં જાગૃતિ લાવવા અંગે વિશેષ આયોજન થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વધુમાં, ગામની પીવાના પાણીની ટાંકીની સ્થિતિ અને સરકારી મકાનો જર્જરિત છે કે કેમ તેની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની અમલવારી અને સરકારી સિવિધાઓની સુનિશ્ચિતતા સહિતની બાબતોએ તલસ્પર્શી નિરીક્ષણ અને સમીક્ષા કરાઈ છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ છેવાડાના ગામડાઓ સુધી પહોંચે અને રોડ-રસ્તા, આરોગ્ય, શિક્ષણ તથા પીવા અને સિંચાઈના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ગ્રામ્ય જનતા માટે સુલભ બને તે સુનિશ્ચિત કરવાનો છે. મુલાકાત પૂર્ણ થયે અધિકારીઓ દ્વારા મેળવેલી વિગતોના આધારે અહેવાલ તૈયાર કરી પ્રજાલક્ષી પ્રશ્નોના ત્વરિત નિકાલ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.