મોરબી : ધક્કાવાળી મેલડીમાં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ 27-4-2026, સોમવારના રોજ 9મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ માંગલિક પ્રસંગ મોરબીના નવલખી રોડ પર ધુતારી ખાતે આવેલા બહુચર પાર્ટી પ્લોટ, રોકડીયા હનુમાનજીના મંદિરની બાજુમાં યોજાશે. આ સમૂહ લગ્નમાં વિવિધ જ્ઞાતિના કુલ 21 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડીને નવા જીવનની શરૂઆત કરશે.
બપોરે 3 કલાકે ગણેશ સ્થાપના અને મંડપમુહુર્ત કરવામાં આવશે. સાંજે 4 કલાકે જાનનું આગમન થશે. સાંજે 7 કલાકે ભોજન સમારંભનું આયોજન રાખવામાં આવેલ છે. સાંજે 7: 45 કલાકે હસ્ત મેળાપની વિધિ સંપન્ન થશે. રાત્રે 11 કલાકે જાન વિદાય થશે. આ સમૂહ લગ્નોત્સવમાં આશીર્વચન પાઠવવા માટે મહામંડલેશ્વર કન્કેશ્વરી દેવીજી, દામજી ભગત, ભાવેશ્વરી માતાજી, રત્નેશ્વરી માં, રાજરાજેશ્વરી માં અને ટીના મહારાજ સહિતના સંતો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મંત્રી કાંતીલાલ અમૃતિયા, સાંસદ વિનોદભાઈ ચાવડા અને પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા ઉપસ્થિત રહેશે. તેમજ સાંસદ પરસોતમ રૂપાલા, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, સાંસદ ચંદુભાઈ સિહોરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, નયનભાઈ અઘારા અને પુષ્પરાજસિંહ જાડેજા સહિતના અનેક અગ્રણીઓ પણ હાજરી આપશે.
સમૂહ લગ્નમાં પરણતી 21 દીકરીઓને સંસ્થા અને દાતાઓ તરફથી કરિયાવરમાં 110 જેટલી વિવિધ ઘરવખરી અને આભૂષણોની વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. જેમાં સોનાનો હાર, સોનાની બુટી, ચાંદીના સાંકળા, કબાટ અને પલંગ જેવી અનેક ઉપયોગી અને કિંમતી વસ્તુઓનો સમાવેશ થાય છે. ટ્રસ્ટના પ્રમુખ ધનુભા ભીખુભા જાડેજા, ઉપપ્રમુખ વિનોદભાઈ વાઘજીભાઈ ડાંગર અને સમગ્ર કમિટી દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ સમૂહ લગ્નનું આસ્થા સ્ટુડિયો રાજકોટ દ્વારા યુ-ટ્યુબ પર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે જેથી લોકો ઘરે બેઠા આ પ્રસંગ નિહાળી શકશે.