હરિદ્વારથી આવેલા પથ્થરોમાં કોતરણી કરીને બાર જ્યોતિલિંગ બનાવવામાં એક માસનો સમય લાગ્યો
(રવિ બરાસરા ) મોરબી : અભૂતપૂર્વ કલાની ગોડ ગિફ્ટ મળી હોય એવા કલાના અનેરા કસબીઓ પોતાની અદભુત કલાથી અને ધગશથી એવું સર્જન કરી નાખે છે કે, જે જોઈને ભલભલાની આંખો આશ્ર્ચર્યથી પહોળી થઇ જાય છે. આવી જ રીતે મોરબીના કલાના અનોખા કસબીએ કોઈપણ જાતની તાલીમ લીધા વગર કલાની ગોડ ગિફ્ટથી એક નિપુણ સ્થાપત્યકાર જેવું સર્જન કાર્ય કર્યું છે. જેમાં મોરબીના સામાકાંઠે આવેલા ઋષભનગર -3માં હાલ નિવૃત જીવન ગાળતા કાનજીભાઈ બારેજીયાએ 76 વર્ષની ઉંમરે પણ પથ્થરો ઉપર મહાકાલેશ્વર-મધ્યપ્રદેશ, વૈદ્યનાથ- ઝારખંડ, રામેશ્વર-તમિલનાડુ, કાશી વિશ્વનાથ-ઉત્તરપ્રદેશ, ઓમકારેશ્વર-મધ્યપ્રદેશ, ભીમાશંકર-મહારાષ્ટ્ર, ત્રયંબકેશ્વર -નાસિક મહારાષ્ટ્ર, ધુંશ્મેશ્વર-ઔરંગાબાદ મહારાષ્ટ્ર, કેદારનાથ-ઉતરાખંડ, સોમનાથ-ગુજરાત, નાગેશ્વર- ગુજરાત, મલ્લિકાર્જુન -આંધ્રપ્રદેશ એમ આબેહૂબ બાર જ્યોતિલિંગનું નિર્માણ કર્યું છે.
કાનજીભાઈ બારેજીયા બહુ ઓછું ભણેલા છે. પણ ગણેલા વધુ છે. આથી તેઓ ક્યાંય પણ કોઈપણ જાતની તાલીમ કે શીખવા ગયા ન હોવા છતાં અત્યારની જૈફ વયે પણ તેમને કઈક ને કઈક નવું અનોખું સર્જન કરવાની મનમાં ભારે ધગશ છે. એટલે જ તેઓ અવનવું કાર્ય કરતા રહે છે. જેમાં તેઓ અગાઉ ચાર પાંચ જ્યોતિલિંગના દર્શન કરી આવ્યા હોય અને કેદારનાથ જવું ઘણું મુશ્કેલ હોવાથી લોકોને ઘરેબેઠા જ બારે બાર જ્યોતિલિંગના દર્શન થઈ શકે તે માટે બારે બારે જ્યોતિલિંગની કલાકૃતિ મંગાવી કઠિન કામ શરૂ કર્યું હતું. જેમાં પહેલા મોરબીમાં બોઇલ મિલમાં હરિદ્વારથી ખાસ આવતા કાળા પથ્થરો લઈને તેઓએ પોતાના ડેલામાં આ મોટા પથ્થરો ઉપર બાર જ્યોતિલિંગ બનાવવા કટર મશીન સહિતના તીક્ષણ સાધનોથી બારીકાઈથી કોતરણી કામ કર્યું હતું. શ્રાવણ માસમાં લોકો બાર જ્યોતિલિંગના દર્શનનો લાભ લઇ શકે એ માટે શ્રાવણ માસમાં આ કામ શરૂ કરીને આ માસના અંતમાં કામ પૂરું કરી દેવાની એમની નેમ હતી. પણ એમના સગામાં કોઈનું અવસાન થતાં આ કામમાં વિલંબ થયો હતો અને હવે એક માસના અંતે બાર જ્યોતિલિંગનું કામ સંપૂર્ણપણે તૈયાર થયું છે. આથી હવે પછી કોઈ મહાદેવ મંદિરે આ બાર જ્યોતિલિંગને લોકોના દર્શનાર્થે મુકશે.
નાગેશ્વર અને કેદારનાથ બનાવવામાં ભારે મહેનત થઈ
કાનજીભાઈએ કહ્યું હતું કે, બારે બાર જ્યોતિલિંગને મૂળ સ્વરૂપમાં પથ્થરો ઉપર બનાવવાનું કામ ખૂબ જ કઠિન હતું. તેમાંય નાગેશ્વર અને કેદારનાથ જ્યોતિલિંગ બનાવવામાં ભારે મહેનત લાગી હતી. તેમાં શિવલિંગ, જલધારા, ગોળાઈ સહિતનું કટીંગ કરવામાં ભારે સમય લાગ્યો હતો. જો કે તેમને 76 વર્ષની ઉંમરે પણ અનોખા કાર્યમાં ભારે રસ રુચિ હોવાથી રોજના 12 કલાક સતત આ કામમાં મથતા અને તેમને આ કામ કરવામાં ભારે ધગશ હોય જરાય શારીરિક કે માનસિક થાક લાગતો ન હોવાથી આ કઠિન કામ પણ આસન બની ગયું હતું. તેઓએ બાર જ્યોતિલિંગનું એવી રીતે નિર્માણ કર્યું છે કે દરેકને સાક્ષાત બાર જ્યોતિલિંગના દર્શન કર્યા હોય એવી દિવ્ય અનુભૂતિ થાય છે.
20 માણસો ચાલી શકે તેવો 30 ફૂટ લાંબો ઝૂલતોપુલ બનાવ્યો
ઝૂલતાપુલની ગોઝારી દુર્ઘટના બન્યા બાદ તેની સ્મૃતિ રૂપે પહેલા તેઓએ નાનો સરખો ઝૂલતાપુલ બનાવ્યો હતો. બાદમાં હમણાં જ દિવસો સુધી આકરી મહેનત કરીને આબેહૂબ 30 ફૂટ લાંબો ઝૂલતાપુલ બનાવ્યો છે. જેમાં લોખંડના રસ્સા, મોટી પલેટો, પુલ વચ્ચે લાકડા નાખ્યા છે. કમસેકમ 20થી 25 માણસો ચાલી શકે તેવો આ પુલનું નિર્માણ કર્યું છે. આ ઉપરાંત ગાંધીજીનો રેંટિયો, ગાડું જેવી અનેક વસ્તુઓ તૈયાર કરી છે.