મોરબી : મોરબી તાલુકા પોલીસ મથક હેઠળના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી વારંવાર દુષ્કર્મ ગુજારનાર શખ્સને મોરબીની સ્પેશિયલ પોક્સો અદાલતે 20 વર્ષની સખ્ત કેદ તેમજ રૂપિયા 25 હજારનો દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો.
આ કેસની વિગત જોઈએ તો વર્ષ 2019માં મોરબી ગ્રામ્યમાં સીરામીક ફેકટરીમાં કામ કરતા શ્રમિક પરિવારની સગીર વયની દીકરીને પાડોશમાં જ લેબર ક્વાટર્સમાં જ રહેતો મૂળ વાંકાનેર તાલુકાના જાલીડા ગામનો વતની આરોપી ઘનશ્યામ ઉર્ફે ઘનો કાળુભાઇ ગોગીયા ઉ.21 નામનો શખ્સ લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરી નાસી જતા સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આરોપી પકડાઈ જતા આ અંગેનો કેસ મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા અદાલતે પુરાવાઓ અને સરકારી વકીલ નિરજ કારીયાની ધારદાર દલીલો ધ્યાને લઇ આરોપી ઘનશ્યામ ઉર્ફે ઘનો કાળુભાઇ ગોગીયાને 20 વર્ષની કેદ અને 25 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. વધુમાં ભોગ બનનાર સગીરાને અદાલતે 4 લાખનું કમ્પૅસેશન ઉપરાંત આરોપી દંડની રકમ ભરે તે મળી કુલ રૂપિયા 4.25 લાખ સહાય ચૂકવવા આદેશ કર્યો હતો.