સાયક્લોથોનથી દરિયાઈ સુરક્ષા, રાષ્ટ્રીય એકતાનો જનજન સુધી સંદેશ અપાશે
મોરબી : ભારતની દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય એકતાના મજબૂત સંદેશ સાથે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા આયોજિત CISF વંદે માતરમ્ કોસ્ટલ સાયક્લોથોન-2026આગામી 30 જાન્યુઆરીના રોજ મોરબી જિલ્લાના માળીયાના સરવડ ખાતે પહોંચશે. 25 દિવસીય આ સાયકલ યાત્રા ગુજરાતથી કેરળ સુધીના અંદાજે ૬,૫૦૦ કિલોમીટર લાંબા દરિયાકાંઠાના પટ્ટા પર ભ્રમણ કરી જનજાગૃતિ ફેલાવશે.
કચ્છના ઐતિહાસિક લખપત કિલ્લાથી પ્રસ્થાન થયેલી આ પશ્ચિમ દરિયાકાંઠાની ટીમનું 30 જાન્યુઆરીએ સાંજના સમયે મોરબીના માળિયા તાલુકાના સરવડ ગામ ખાતે આગમન થશે. આ પ્રસંગે મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ CISF યુનિટ દ્વારા ભવ્ય સ્વાગત અભિવાદન કરવામાં આવશે. આ અભિયાન હેઠળ CISF રાજકોટ યુનિટને મોરબીના માળિયાથી જામનગરના જોડિયા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં સંકલનની જવાબદારી સોંપાઈ છે. આ દરમિયાન સ્થાનિક માછીમારો અને યુવાનો સાથે સંવાદ કરવામાં આવશે. દરિયાઈ સીમાની સુરક્ષામાં સ્થાનિકોના યોગદાન અંગે માર્ગદર્શન અપાશે.વંદે માતરમ્ના 150 વર્ષ નિમિત્તે દેશભક્તિની ચેતના જગાડવામાં આવશે. આ ઐતિહાસિક યાત્રા 28 જાન્યુઆરીથી શરૂ થઈ 22 ફેબ્રુઆરી સુધી ચાલશે, જે ભારતના સમુદ્રી ગૌરવ અને સુરક્ષા કવચને વધુ મજબૂત બનાવવાનો એક નવતર ઉદ્દેશ્ય છે.