Sunday - May 17, 2026

મચ્છુ જળ પ્રલયની 46મી વરસીએ દીવગંતોને ભારે હૈયે શ્રદ્ધાંજલિ અર્પણ

મચ્છુ જળ પ્રલયની 46મી વરસીએ દીવગંતોને ભારે હૈયે શ્રદ્ધાંજલિ અર્પણ

હમ યાદો કે ફૂલ ચઢાયે ઓર આંસુ કે દીપ જલાયે

મોરબી : આજથી 46 વર્ષ પહેલાં એટલે કે 11 ઓગસ્ટ 1979 નો દિવસ મોરબીના ઇતિહાસમાં કલ્પના ન કરી શકાય તે હદે ગોઝારો સાબિત થયો હતો. આ દિવસે મોરબીની જીવાદોરી મચ્છુ-2 ડેમ તૂટતા મોરબીમાં ભયાનક તબાહી સાથે જ મોતનું તાંડવ થયું હતું.મોરબી શહેરમાં ચારેકોર 18 ફૂટ જેટલા પાણીના મોજા આવતા જીવ બચાવવા ભાગતા હજારો લોકોને મોત આંબી ગયું હતું. જીવ બચાવવા લોકો મકાનોની છત અને ઉંચી ઇમારત ઉપર ચડી જતા પાણીનો સખત પ્રવાહે ઉંચી ઇમારતને જમીનદોસ્ત કરી નાખતા  કંપારી છૂટી જાય તેવી રીતે હજારો લોકો અને પશુઓ મોતને ભેટ્યા હતા. કાળના જખ્મો આજે પણ રૂઝાયા નથી. 

મચ્છુ જળ પ્રલયની 46મી વરસીએ દીવગંતોને ભારે હૈયે શ્રદ્ધાંજલિ અર્પણ

આ ગોઝારી દુર્ઘટનાને મોરબીના લોકો ક્યારેય પણ ન ભૂલી શકે એમ ન હોવાથી દર વર્ષની જેમ આજે વિનાશકારી મચ્છુ જળ પ્રલયની 46મી વરસીએ મોરબી મહાનગરપાલિકા દ્વારા હોનારતના હજારો મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા દુર્ઘટનાના સમયે મૌનરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 21 સાયરન વગાડવામાં આવ્યા હતા અને પ્રથમ સાયરને મનપા કચેરીએથી મૌનરેલી નિકળી હતી. જેમાં રાજકીય, સામાજિક, શૈક્ષણિક સહિતના તમામ અગ્રણીઓ તેમજ મ્યુનિસિપલ કમિશ્નર, કલેકટર સહિતના અધિકારીઓ, મહાપાલિકાના કર્મચારીઓ, પુરગ્રસ્તો અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. આ  મૌનરેલી મુખ્ય માર્ગો ઉપર ફરીને મણિમંદિરે પહોંચી ત્યાં આવેલા મચ્છુ પુરના દિવગંતોના સ્મૃતિ સ્તભને ફુલહાર ચડાવી બે મિનિટ મૌન પાળી અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી. ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરતી વખતે દુર્ઘટનામાં સ્વજનોને ગુમાવ્યાની લાચારી નજર સમક્ષ તરવરી ઉઠતા પુરગ્રસ્તોની આંખમાંથી આંસુના પુર વહ્યા હતા.