Wednesday - Jun 10, 2026

ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના પ્રશ્ને ખેલાયો ખૂની ખેલ : કાકા-ભત્રીજાની હત્યા

ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના પ્રશ્ને ખેલાયો ખૂની ખેલ : કાકા-ભત્રીજાની હત્યા

ડબલ મર્ડરને પગલે પોલીસે ગામમાં જડબેસલાક બંદોબસ્ત ખડકી દેવાયો, હોસ્પિટલમાં ટોળા ઉમટી પડતા વાતાવરણ તંગ

ટંકારા : ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે એક જમીન માપણીના વિવાદનો ખોફનાક લોહિયાળ અંજામ આવ્યો હતો. જેમાં ગામની સીમમાં આવેલી વાડીએ જમીન બાબતે થયેલી માથાકૂટે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે,કાકા અને ભત્રીજા એમ બન્નેની લોથ ઢાળી દેવાય હતી. આ બેવડી હત્યાથી નાના એવા ગામમાં સોપો પડી ગયો છે. વધુ કોઈ અઘટિત બનાવ ન બને તે માટે પોલીસે ગામમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે.

મેઘપર ઝાલા ગામે વાડીએ જમીન માપણી બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલા (કાકા) અને હર્ષવર્ધનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા (ભત્રીજા) પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ખૂની હુમલામાં કાકા-ભત્રીજા બંનેના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ મૃતદેહોને પીએમ અર્થે ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ડબલ મર્ડરના બનાવને પગલે ટંકારા હોસ્પિટલ ખાતે રાજકીય આગેવાનો અને ક્ષત્રિય આગેવાનોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. બીજી તરફ, ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે તાત્કાલિક ધોરણે મેઘપર ઝાલા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.