મોરબીમાં 5 દિવસીય શિક્ષક પ્રશિક્ષણ સપ્તાહમાં 120 શિક્ષકોને શિક્ષણવિદો, સાહિત્યકારો અને વહીવટી નિષ્ણાતોએ વિવિધ વિષયો પર અસરકારક માર્ગદર્શન આપ્યું
મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે તાજેતરમાં પ્રશિક્ષણ સપ્તાહ' અંતર્ગત 5 દિવસીય શિક્ષક ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશનું ભાવિ એટલે બાળકોનું ઘડતર જેમના હાથમાં હોય એવા શિક્ષકોમાં જ સદગુણ અને શુદ્ધ આચરણ હશે તો દેશનું ભાવિ આપોઆપ મજબૂત અને સુદ્રઢ બની જશે. કારણ કે, બાળકોને જે શિક્ષણ જ્ઞાન અને આદર્શ તેમજ નાગરિક ધર્મના પાઠ શીખવતાં ગુરુજનોને જ બાળકો આદર્શ માનતા હોય આવા સંજોગોમાં બાળકોને આદર્શવાદી બનાવતા પહેલા શિક્ષક પોતે આદર્શવાદી હોવા જરૂરી હોય નહિતર કહેણી અને કરણી જુદી હોય તો બાળકોમાં ક્યારેય મૂલ્યોનું અસરકારકતાથી સિંચન નહિ થાય તેવું120 શિક્ષકોને શિક્ષણવિદો, સાહિત્યકારો અને વહીવટી નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું.
પ્રશિક્ષણના પ્રથમ દિવસે વાત વ્યવસ્થાપન મુદ્દે સંચાલક કિશોર શુક્લે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશ મોતાએ સંગઠનથી સફળતા અને શિક્ષક શાળાનો અરીસો વિષય પર શિક્ષકોને ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. જ્યારે ભાષા સજ્જતા વિષય પર ગુજરાતના જાણીતા વક્તા અને ભાષા નિષ્ણાંત રાજેશ ધામેલિયાએ શિક્ષકોએ કેવી રીતે શિક્ષણ સાથે શુદ્ધ ચારિત્ર્યનું ઘડતર કરી દેશભાવના જાગૃત કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. જાણીતા સાહિત્યકાર અને હાસ્ય કલાકાર હકાભા ગઢવી તેમજ પ્રકાશ જાદવે સાહિત્ય ક્ષેત્રની વાતોથી શિક્ષકોને હળવાશનો અનુભવ કરાવ્યો હતો. તજજ્ઞએ સહજ શિસ્ત અને શિક્ષકો તેમજ સ્ટાફને સ્કૂલ મેનેજમેન્ટ સિસ્ટમ (ERP) ની ટ્રેનિંગ આપી હતી અને શિક્ષકોને સમગ્ર વાર્ષિક આયોજન તેમજ વહીવટી કાર્યો માટે 'વહીવટી સજ્જતા' વિશે વિગતવાર માહિતી આપી હતી. પ્રશિક્ષણના અંતિમ અને પાંચમા દિવસના રોજ શાળામાં નવા જોડાયેલા શિક્ષકોને એપોઇન્ટમેન્ટ લેટર આપી, તિલક કરી અને મોં મીઠા કરાવીને આવકારવામાં આવ્યા હતા.