Wednesday - Jun 10, 2026

માળીયા (મી)ના નાનાભેલામાં માત્ર 200ની વસ્તી સામે 1 હજારથી વધુ મોરનો "મીઠો કલરવ"

માળીયા (મી)ના નાનાભેલામાં માત્ર 200ની વસ્તી સામે 1 હજારથી વધુ મોરનો

મોરબી : મોરબી શહેર રાજાશાહી વખતથી ઢેલડીનગર તરીકે જાણીતું છે. તેનું કારણ એ હતું કે મોરબી આસપાસ ગાઢ વૃક્ષોનું જંગલ હતું એમાં મોરની સૌથી વધુ વસાહત હતી. પરંતુ 1991 બાદ મોરબીનો એટલો જબરજસ્ત વિકાસ થયો કે આજે મોરબી સિમેન્ટ કોક્રેટનું જંગલ બની જતા હવે મોરની વસ્તી એટલી હદે ઘટી ગઈ છે કે, અમુક જગ્યાએ જ મોર જોવા મળે છે. ત્યારે હૃદય મનને ટાઢક મળે તેમ રાષ્ટ્રીય પક્ષી ગણાતા મોરની વધુ સંખ્યા મોરબી જિલ્લાના એક છેવાડાના ગામમાં વધુ હોવાના ઉજળા સંજોગો સામે આવ્યા છે.જેમાં મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાનું નાનું એવું નાનાભેલા ગામ ભલે છેવાડાનું અને અવિકસિત ગણાતું હોય પણ રાષ્ટ્રીય પક્ષી મોરની વધુ સંખ્યાને લીધે આ ગામ સુખી છે. એટલે જ આ નાનાભેલા ગામ મોરબી જિલ્લામાં જ નહીં સૌરાષ્ટ્રભરમાં જાણીતું બન્યું છે. ગ્રામજનોના કહેવા મુજબ તેમના પૂર્વજોના સમયથી તેમના ગામમાં લોકો કરતા મોરની સંખ્યા વધુ છે. ચોંકાવનારી બાબત એ છે કે આજની તારીખે પણ ગામની વસ્તી માત્ર 200ની આસપાસ જ છે. એની સામે આશરે 1 હજારથી 1200 જેટલા મોરનો વસવાટ છે. એટલું જ નહીં મોરની સાથે કાગડા, કબૂતર, પોપટ, હોલા સહિતના પક્ષીઓ પણ છે. ગામમાં આશરે 1 હાજરથી વધુ વૃક્ષો હોવાથી આ બધા પક્ષીઓનું રહેઠાણ અનુકૂળ રહે છે. તેમજ બીજા હજાર વૃક્ષો હમણાં જ વાવ્યા છે. ગામલોકોએ ત્રણ સ્થળે ચકલાઘર બનાવીને નિયમિત ચણ નાખે છે. જો કે મોર એટલું ગભરુ પક્ષી હોય છે કે માણસનો પગરવ સાંભળે કે તૂરત જ ઉડી જાય છે. પણ આ ગામમાં મોર અને ગ્રામજનો વચ્ચે એટલો આત્મીય સંબંધ બંધાય ગયો છે કે,મોર લોકોના ઘરમાં અને ફળિયામાં જઈ લોકોના હાથમાં રાખેલા અન્નના દાણા એકદમ ભયમુક્ત બનીને ચણે છે. એટલું જ નહીં આ ગામની સવાર કુકડાની બાંગથી નહિ પણ મોરના મીઠા મધુર કલરવ અને ગહેકાથી પડે છે.

ગરીબ વિદ્યાર્થીઓની ફી ભરવા સહિતની સેવાપ્રવૃત્તિઓ

ગામના સરપંચ ભાવિકભાઈ કાવર કહે છે કે, તેમનું ગામ પહેલેથી જ માનવ સેવા એજ સાચી પ્રભુસેવા સમજીને દરેક સેવાપ્રવૃતિઓમાં આગળ છે. જેમાં અગાઉ તેમન ગામના વડીલોના બજરંગ ગરબી મંડળ ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાપ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી. હવે આ સેવાનો દૌર ગામના તેમના સહિતના યુવાનોએ સંભાળી લીધો છે  જેમાં છેલ્લા ચાર વર્ષથી પ્રસંગે ઢોલ ત્રાસા વગાડી તેમાંથી થતી આવકથી નિયમિત શ્વાન સહિતના પશુઓ માટે લાડુ બનાવીને ખવડાવે છે અને દરરોજ ત્રણ સ્થળે પક્ષીઓને ચણ નાખે છે. આ ઉપરાંત ગૌશાળાને દાન, મનો દિવ્યાંગ સંસ્થાને દાન તેમજ ગામના કોઈ ગરીબ વિદ્યાર્થીઓ હોય તો તેની સ્કૂલ ફી પણ ભરવામાં આવે છે અને ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મૂકી છે.

માળીયા (મી)ના નાનાભેલામાં માત્ર 200ની વસ્તી સામે 1 હજારથી વધુ મોરનો

25 ટકા જ ખેડૂતો માત્ર એક જ પાક લઈ શકે

ગામમાં એક સમયે 700થી વધુની વસ્તી હતી. પણ ગામમાં વરસાદ આધારિત ખેતી હોવાથી ગામની વસ્તી ઘટી ગઈ છે. કેમ કે બધા ખેડૂતો ત્રણેય પાક લઈ શકતા નથી. કેનાલની સુવિધા નથી. ગામમાં તળાવ છે. પણ એમાંથી પાણી મેળવીને માત્ર 25 ટકા ખેડૂતો એ પણ માત્ર રવિ સિઝનનો જ પાક લઈ શકે છે. ગામમાં બીજો કોઈ વ્યવસાય છે જ નહીં. આથી મોટાભાગના લોકો ધંધા રોજગાર માટે મોરબી જઈને વસ્યા છે. હવે ગામમાં માત્ર 200 જ લોકો બચ્યા છે.

શાળામાં પણ 4 અને આંગણવાડીમાં પણ 4 જ બાળકો

ગામની શાળામાં એક સમયે 100 બાળકો ભણતા હતા. પણ ધંધા માટે મોટાભાગના લોકો હિજરત કરવા લાવતા આજે કમનસીબે શાળામાં માત્ર 4 બાળકોની જ સંખ્યા બચી છે. એટલે આ ચાર બાળકો વચ્ચે એક શિક્ષક છે. આવી રીતે ગામની આંગણવાડીમાં પણ ચાર જ બાળકો છે. ગામની સ્કૂલમાં ખાનગીમાં પણ ન હોય એવી સુવિધા હોય પણ બાળકોની સંખ્યા સિંગલ ડિજિટની થઈ જતા શિક્ષકો સહિતની સુવિધાઓ ઘટી રહી છે.

માળીયા (મી)ના નાનાભેલામાં માત્ર 200ની વસ્તી સામે 1 હજારથી વધુ મોરનો