Friday - Mar 21, 2025

મોરબી મનપાનું ઝોન-2માં સરપ્રાઈઝ ચેકિંગ, ગંદકી ફેલાવતા વેપારીઓ પર તવાઈ

મોરબી મનપાનું ઝોન-2માં સરપ્રાઈઝ ચેકિંગ, ગંદકી ફેલાવતા વેપારીઓ પર તવાઈ

મોરબી : મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા બનતાની સાથે કમિશનર ખરે એક્શન મોડ ઉપર આવ્યા છે. દબાણ હટાવ ઝુંબેશ દર અઠવાડિયે અલગ અલગ વિસ્તારોમાં હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને મનપાએ શરૂઆતથી મોરબીમાં ગંદકીનો સળવતો પ્રશ્ન હોય આ ગંદકી સામે લાલ આંખ કરી છે. જેમાં વારંવાર સરપ્રાઈઝ ચેકિંગ કરીને વેપારીઓને દંડ કરવામાં આવી રહ્યો છે. આજે પણ મનપા દ્વારા ઝોન-2માં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ગંદકી ફેલાવતા વેપારીઓ ઊંઘતા ઝડપાતા વેપારીઓને દંડ ફટકારી સફાઈ કર્મચારીઓ સફાઈ વ્યવસ્થિત કરે છે કે કેમ તેની સઘન ચકાસણી કરવામાં આવી હતી.


મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના વડપણ હેઠળ મહાનગરપાલિકાની ટીમ દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સફાઈ કામદારો યોગ્ય રીતે સફાઈ કરે છે કે કેમ તે અંગે ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. ઝોન-2માં આવતા મતવા ચોક, વજેપર, બોરીચાવાસ, કાલિકા પ્લોટ, કાયાજી પ્લોટ સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. રવાપરની સોસાયટી, નવા બસ સ્ટેન્ડની પાછળની સોસાયટીઓ અને કન્યા છાત્રાલય રોડ સહિતની સોસાયટીઓમાં ડોર ટુ ડોરની કામગીરી થાય છે કે કેમ તે અંગે પણ ચેકિંગ હાથ ધરાયું હતું. સાથે જ નવા બસ સ્ટેન્ડની સામે ચાની લારીઓ અને આઈસ્ક્રીમની કુલ પાંચ જેટલી દુકાનોને ગંદકી અને દબાણ કરવા બદલ 2-2 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. રામ ચોક પાસે આવેલ કુરિયરવાળાને પાનની પિચકારી મારવા બદલ 2 હજારનો દંડ ફટકારાયો હતો. શનાળા રોડ પરથી દોઢ કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી દંડ ફટકારાયો હતો. આમ કુલ 15 હજારથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો.મહાનગરપાલિકાની આ કામગીરીને લઈને ગંદકી ફેલાવતા દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.