Sunday - Apr 26, 2026

હડમતીયામાં મેઘવાળ સમાજનાં સંત પાલણપીરનો સાડા ત્રણ દિવસના જાતર મેળાનો પ્રારંભ

હડમતીયામાં મેઘવાળ સમાજનાં સંત પાલણપીરનો સાડા ત્રણ દિવસના જાતર મેળાનો પ્રારંભ

ચાર મેઘવાળથી શરૂ થયેલા આ મેળામાં આજે હજારોની સંખ્યામાં મેઘવાળ સમાજ ઉમટી પડે છે

મોરબી : મોરબી જીલ્લાનાં ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલણપીરની જગ્‍યામાં આજે તા. 16 મી સપ્ટેમ્બર થી 19 સપ્ટેમ્બર સુધી ધાર્મિક જાતર મેળાનું આયોજન કરાયું છે. તા. 16 થી 19 સપ્ટેમ્બર 2025ના રોજ પાલણધામમાં ચાર દિવસ સુધી હજારોની સંખ્યામાં મેઘવાળ સમાજ સ્વયંભૂ ઉમટી પડશે. આ મેળો ધાર્મિક યાત્રા સમાન છે. મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના હડમતિયા ગામે પાલણપીરની પૂણ્યતિથિએ મેઘવાળ સમાજનો મેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા વદ-નોમથી બારશ બપોર સુધી એટલે કે સાડા ત્રણ દિવસનો મેળો શરૂ થયો છે.

ચાર મેઘવાળથી શરૂ થયેલા આ મેળામાં આજે હજારોની સંખ્યામાં મેઘવાળ સમાજ ઉમટી પડે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશથી ઘણા લોકો ર૧ દિવસના ઉપવાસ કરે છે અને ઘણા શ્રદ્ધાળુઓ પગપાળા સંઘ લઇ ચાલીને પણ આવે છે.માટે આ માત્ર મેળો નહી પરંતુ એક આસ્થા ભરી યાત્રા છે. આ મેળાનો પ્રારંભ વાંકાનેરથી ૯ કિ.મી. દુર આવેલ જડેશ્વર મહાદેવના મંદિરેથી થયો છે. ગત ગંગા સફેદ કાપડનો બેડો બાંધે છે. જેની નીચે ગુરૂ હોય તે વેદ બોલે છે અને શિષ્ય હોય તે જીકારો આપે છે. મંદિરના પ્રાંગણમાં ધુપ, ધ્યાન કરી ધજા, શ્રીફળ, સાકર ચડાવી (જેને ભેટ ચડાવી એમ કહેવામાં આવે છે.) લોકો પરોડ જવા પગપાળા ચાલતા થાય છે પરોડે પહોંચી દેહ દાન કરી કાંકણ ભરી આપાની મેડીએ આવી પહોંચે છે. ત્યાં આવી રાત્રે નોમ જાગરણ કરી સવારે કાંકણ ભરી ગુરૂને કપુરીયા કુંડમાં સ્નાન કરાવી શિષ્ય પણ સ્નાન કરે છે.

હડમતીયામાં મેઘવાળ સમાજનાં સંત પાલણપીરનો સાડા ત્રણ દિવસના જાતર મેળાનો પ્રારંભ
હડમતીયામાં મેઘવાળ સમાજનાં સંત પાલણપીરનો સાડા ત્રણ દિવસના જાતર મેળાનો પ્રારંભ

આ એજ કપુરીયો કુંડ છે, જયાં કહેવાય છે કે પાલણપીર બાળક સ્વરૂપે પ્રગટ થયા હતાં તેથી જ તો ભકતો અહી સ્નાન કરી ધન્યતા અનુભવે છે. યાત્રા ગણીને આવતા જતી સતી ભેગા મળી બારમતિ તીરથ કરે છે, અને જયા સતીનાં જોડલાના કાંકણનો અનોખો મહીમા છે.
સાડા ત્રણ દિવસ ચાલનારા આ મેળામાં પાલણપીરે કથેલા (૨૪) લાખ વેદ ગુરૂનાં મુખેથી સાંભળવા એ પણ એક લ્હાવો હોય છે. ત્રીજા દિવસે ગતગંગા વાજતે ગાજતે અબીલ ગુલાલ ઉડાડી સતની ચોરીએ જાય છે અને ત્યાં કાંકરાના ઘર બનાવી ગુરૂને અપર્ણ કરે છે. પછી ગતગંગા સાંજ ઢળતા ઢળતા હડમતીયા ગામના પાદરમાં આવેલ સતનાં ખાંભાની પરિક્રમા કરી ગતગંગા આપાની મેડી તરફ રવાના થાય છે. પાલણપીરના સમાધિ સ્થળ આપાની મેડી તરીકે પણ ઓળખવામાં આવે છે.
ચોથા દિવસે બપોર થતા જ આ મેળો પુરો થાય છે. સાવ જુદાં અને અનોખા આ ધાર્મિક મેળાવળાંમાં મોજશોખ કરવાનાં મોટાં ફજેત કે ચકરડી હોતા નથી. પાલણદાદાનાં અનુયાયીઓ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ વધી રહ્યા હોય દર વર્ષે દર્શનાર્થીઓની સંખ્યા વધી રહી છે.