મોરબી : મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે આવેલા એક કારખાનાના ગોડાઉનમાંથી રૂ. 1.75 લાખની કિંમતનો કોપર અને એલ્યુમિનિયમ કેબલ વાયર ચોરી થયાની ઘટના સામે આવી છે. આ મામલે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબીના રવાપર રોડ પર આવેલા અક્ષરધામ એપાર્ટમેન્ટમાં રહેતા અને મૂળ બરવાળા ગામના વતની યશભાઈ ત્રિભુવનભાઈ સનાવડા (ઉંમર 30)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, તેમના ભાગીદારીના કારખાનાના ગોડાઉનમાં મોડી રાત્રે ચાર અજાણ્યા શખ્સોએ ચોરીને અંજામ આપ્યો હતો.
આરોપીઓની ઉંમર અંદાજે 25થી 30 વર્ષ વચ્ચે હોવાનું જણાવાયું છે. તેઓ કારખાનાની દિવાલ કૂદી અંદર પ્રવેશ્યા બાદ ખુલ્લા દરવાજાનો લાભ લઈ ગોડાઉનમાં ઘૂસ્યા હતા. ત્યારબાદ ગોડાઉનમાં મશીનરીના ઉપયોગ માટે રાખવામાં આવેલ અને અગાઉ વપરાયેલ કોપર તથા એલ્યુમિનિયમના ફાઇબર કોટિંગવાળા આશરે 350 કિલો કેબલ વાયર, જેની કિંમત અંદાજે રૂ. 1,75,000 થાય છે, તેની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આરોપીઓની ઓળખ અને શોધખોળ માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.