પોલીસની તપાસમાં લૂંટના આરોપીઓ રીઢા ગુનેગારો હૉવાનું સામે આવ્યું
મોરબી : મોરબીમાં મજૂરો કામ કરતા શ્રમિકોને આંતરીને લૂંટારુઓ માર મારી રોકડ, મોબાઈલ સહિતની લૂંટ ચલાવતા હોવાની ગંભીર ઘટના વચ્ચે આજે ફરી મોરબીના હરિપર કેરાળા ગામ નજીક બે શ્રમિક યુવાનોને માર મારી બળજબરીથીથી લૂંટી ચાલવીને લૂંટારું ટોળકી ફરાર થઇ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે એક શ્રમિકે લૂંટારું ગેંગ રૂ..50 હજારની લૂંટ ચલાવીને નાસી છૂટી હોવાની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તરત જ હરકતમાં આવીને લૂંટ કરનાર એક સગીર સહિત છ શખ્સોને ઝડપી લઈ તપાસ હાથ ધરી છે.
મોરબીના હરિપર કેરાળા નજીક વેલેન્જા નામની ફેકટરીમાં મજૂરી કામ કરતા અને ત્યાં જ રહેતા પ્રકાશ ઉર્ફે પકો રામુભાઈ મંદરિયા ઉ.45 નામના યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.17ના રોજ સાંજના સમયે તેમના કારખાના નજીક ચા લેવા જઇ રહ્યા હત. ત્યારે અચાનક બે બાઈકમા આવેલા છ શખ્સોએ આ યુવાનને આંતરીને બેઝ બોલના ધોકા વડે માર મારી 30 હજારની લૂંટ કરી નાસી ગયા હતા. આવી રીતે આ છ શખ્સોએ અન્ય એક યુવાન વિશ્વરાજસિંહ જાડેજાને પણ આંતરી માર મારી 20 રોકડ, સોનાનો ચેન અને બાઇકની લૂંટ ચલાવી ફરાર થઇ ગયાની ગઈકાલે તાલુકા પોલીસ મથકે નોંધાઈ હતી.
લૂંટની ફરિયાદના આધારે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી લૂંટ ચલાવનાર આરોપી ફારૂકભાઇ ઉર્ફે ફારકો દીલાવરભાઈ જેડા ઉ.વ.૩૫ રહે-હાકમસાની દરગાહાની પાસે માળીયા, દિલાવરભાઇ ઉર્ફે દીલો જુમાભાઈ મોવર ઉ.વ.૩૫ રહે- બાપુની ડેલી માળીયા, સિકંદરભાઇ ઇકબાલભાઈ કટીયા ઉ.વ.૧૯ વર્ષ રહે- ગેબનસાપીરની દરગાહની પાસે માળીયા, જુમાભાઇ ઉર્ફે ડાડો સોકતભાઈ મેર ઉ.વ.૧૯ વર્ષ રહે બાપુની ડેલની બાજુમાં માળીયા અને સિંકદરભાઇ ઉર્ફે સીકો મુસ્તાકભાઈ કાજેડીયા ઉ.વ.૧૯ વર્ષ રહે-ઓસંસાપીરની દરગાહની બાજુમાં માળીયા અને એક સગીરને 3 સ્પ્લેન્ડર બાઇક અને રોકડ રૂ.40 હજાર મળી કુલ રૂ.1.50 લાખનો મુદામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસની પૂછપરછમાં આરોપી ફારૂકભાઇ ઉર્ફે ફારકો દીલાવરભાઈ જેડા સામે માળિયા પોલીસમાં 6 ગુના, દિલાવરભાઇ ઉર્ફે દીલો જુમાભાઈ મોવર સામે માળિયા પોલીસમાં 2 ગુના, જુમાભાઇ ઉર્ફે ડાડો સોકતભાઈ મેર સામે માળિયા પોલીસમાં 8 ગુના તથા સિંકદરભાઇ ઉર્ફે સીકો મુસ્તાકભાઈ કાજેડીયા સામે 6 ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.