રાજ્યનો ચકચારી એવો કેસ જેમાં એક સિરિયલ કિલરે તાંત્રિક વિધિના બહાને 12 લોકોની હત્યા નિપજાવી છે. આ ઘટનાના તાર વાંકાનેર સાથે જોડાયા છે. તાંત્રિક વિધિ કરતા શખ્સે વાંકાનેર પાસે તેની પ્રેમિકાની હત્યા કરાયેલ લાશ દાટી હતી. પોલીસે આ લાશના અંશો બહાર કાઢી તપાસ ચલાવી છે.
સિરિયલ કિલરની પ્રેમિકા મૃતક નગમા મુકાસમનો મૃતદેહ જે જગ્યાએ દાટ્યો હતો ત્યાંથી શોધી કાઢવા માટે થઈને અમદાવાદ પોલીસ વાંકાનેર પહોંચી હતી અને વાંકાનેર પોલીસને સાથે રાખીને વીસીપરાની રેલવે ફાટક પાસે સરધારકા રોડના ખૂણા પાસે આવેલ મેલડી માતાજીના મંદિર નજીક રહેતા નવલસિંહના ભાણેજ શક્તિસિંહ ભરતભાઇ ચાવડાને સાથે રાખીને ખોદકામ કરવામાં આવ્યું હતું. જે જગ્યામાં ખોદકામ કરવામાં આવ્યું હતું. ત્યાં જુદા જુદા કોથળામાંથી મૃતક યુવતીનું માથું સહિતના અવશેષો મળી આવ્યા હતા જેને પોલીસે કબજે કર્યા છે અને પીએમ માટે લઈ જવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ તકે વાંકાનેરના ડીવાયએસપી સમીર સરડા, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.ડી.ઘેલા, વાંકાનેરના પ્રાંત અધિકારી અને અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારના સર્વિલન્સના પીએસઆઇ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.
અમદાવાદ શહેરના સરખેજ પોલીસના હાથે 3 ડિસેમ્બરે પકડાયેલા તાંત્રિક નવલસિંહ ચાવડાએ પોલીસ સમક્ષ કરેલી કબૂલાતમાં તેણે 15 વર્ષથી સુરેન્દ્રનગર, અસલાલી, રાજકોટ, અંજાર મળી કુલ 12 હત્યા કરી હતી એટલું જ નહીં. આ તાંત્રિકે પોતાની સગી માતા, દાદી અને કોટુંબિક કાકાને પણ તેણે મોતને ઘાટ ઉતાર્યાનો સનસનીખેજ ખુલાસો તેણે મરતા પહેલા કર્યો હતો. જે બાદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. પરંતુ બાદમાં આ હત્યારા તાંત્રિકને પોલીસ લોકઅપમાં જ હાર્ટ અટેક આવતા તેનું મોત નિપજ્યું હતું.
ગત રવિવારે સવારે 10 વાગ્યાની આસપાસ કસ્ટડીમાં રહેલા નવલસિંહને પહેલા ઊલટી થઈ હતી જે બાદ તેને ગભરામણ થવા લાગી હતી. જેથી ત્યાં હાજર પોલીસકમીઓએ તેને તાત્કાલિક લોકઅપમાંથી બહાર નીકાળીને પાણી પીવડાવ્યું હતું. જે બાદ આરોપીએ છાતીમાં દુઃખાવો થતો હોવાનું કહેતા તેને સિવિલ હોસ્પિટલ ખાતે થઇ ગયા હતા. જો કે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નીપજયું હતું.
સિરિયર કિલર તાંત્રિક નવલસિંહ ચાવડા તાંત્રિક વિધિ કરીને ચાર ગણા રૂપિયા કરી આપવાનું કહીને ચાંગોદરના વેપારીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જો કે તેના જ ફાઈવરે 24 કલાક પહેલા જ માહિતી સરખેજ પોલીસને આપી દેતા 13મી હત્યાનો પ્લાન નિષ્ફળ ગયો હતો. જે બાદ પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, તેણે કુલ 12 લોકોની હત્યા કરી છે. અને આ તમામ લોકોની હત્યા તેણે સોડિયમ નાઈટ્રાઇટ થકી જ કરી હતી અને આ કેમિકલનો પાઉડર તે સુરેન્દ્રનગરની એક લેબોરેટરીમાંથી લાવ્યો હતો.
ઝોન-7 ડીસીપી શિવમ વર્માએ આ મામલે જણાવ્યું કે, આરોપી નવલસિંહે કુલ 12 હત્યા કરી છે. જેમાં માતા, દાદી, કૌટુંબિક કાકાનો પણ સમાવેશ થાય છે. તેના પર કોઈને શંકા ન થાય તે માટે આરોપી તાંત્રિકવિધિના નામે યજમાનોને બોલાવીને ચા, પાણી અથવા કોલ્ડ ડ્રિંક અને દારૂમાં સોડિયમ નાઈટ્રાઇટ ભેળવીને પીવડાવી દેતો હતો. જેથી યજમાનને 20 જ મિનિટમાં છાતીમાં દુખાવો ઊપડાયા બાદ ગણતરીની મિનિટમાં હાર્ટએટેક આવે એટલે તેનું નું મોત થઇ જતું. જે બાદ તાંત્રિક ડેડબોડીને સુમસામ જગ્યાએ ફેંકીને આવી જતો. જો પોલીસ લાશનું પોસ્ટમોર્ટમ કરાવે તો મૃતક હાર્ટએટેક આવવાથી મોત થયાનું સામે આવે. નવલસિંહને એક તાંત્રિક મારફતે જાણ થઇ હતી કે સોડિયમ નાઇટ્રાઇટનો પાઉડર એક ચમચી પાણી કે અન્ય કોઇ ખાદ્યપદાર્થમાં ભેળવીને આપવામાં આવે તો 20 મિનિટમાં તે વ્યક્તિને હાર્ટએટેક આવ્યા બાદ મોત થઇ જાય.