મોરબી : મોરબી નજીકના વિસ્તારમાં વાંકાનેરના એક ગામના પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેણીની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય હાલ ભોગ બનેલી સગીરાના પિતા દ્વારા ફરિયાદ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસે બે સામે ગુનો નોંધીને બન્નેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની 16 વર્ષની સગીર વયની દીકરીનું મોરબીના નવલખી બ્રિજ નીચેથી ગત તા.22 મેને સવારના દસેક વાગ્યાના અરસામાં અપહરણ કરી જવામાં આવ્યું હતું અને સગીરાની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ.આ સંદર્ભે ભોગ બનનાર સગીરાના પિતા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધમ્મરનાથ રૂમાલનાથ પઢીયાર અને જાનનાથ સોરમનાથ બંને રહે.મકનસર તા.જી.મોરબી સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ધમ્મરનાથ અને જાનનાથ નામના બે શખ્સોએ તેઓની દીકરીનું મોરબી ખાતેથી અપહરણ કરી તેણીની ઈચ્છા વિરુદ્ધ ધમ્મરનાથ પઢિયાર નામના શખ્સે કુકર્મ આચર્યું હતું. હાલ પોલીસે બળાત્કાર, અપહરણ અને પોકસો સહિતની કલમો હેઠળ ઉપરોક્ત બંને ઈસમો સામે ગુનો નોંધી બંનેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.