લોકો અને કર્મચારીઓને બહાર કઢાયા પોસ્ટ ઓફીસ ખાલી કરાવી સર્ચ ઓપરેશન
મોરબી : મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઇમેઇલ મારફત મળતા ભારે દોડધામ મચી ગઈ છે. આ ધમકીભર્યા ઈમેલની જાણ થતાં જ પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને ઘટનાસ્થળે દોડી ગયું છે.
ઇમેઇલમાં મોરબીની પોસ્ટ ઓફિસમાં 1 વાગ્યે બૉમ્બ ફૂટશે તેવી માહિતી મોકલવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે પોસ્ટ ઓફિસમાં હાજર તમામ કર્મચારીઓ અને ગ્રાહકોને તાત્કાલિક ધોરણે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એ ડિવિઝન પોલીસ મથકના ત્રણ પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે તૈનાત છે. આ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી રહી છે અને સમગ્ર જગ્યાની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્રમાં સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવવાની ધમકીઓનો સિલસિલો યથાવત રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રની અનેક સરકારી કચેરીઓ અને સંસ્થાઓને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળવાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આવા ધમકીભર્યા ઈમેલને પગલે સરકારી તંત્ર અને લોકોમાં ભયનો માહોલ સર્જાય છે અને સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી જાય છે. મોરબી પોસ્ટ ઓફિસમાં આવેલો ધમકીભર્યો ઈમેલ પણ આ જ પ્રકારની ઘટનાઓનો એક ભાગ હોવાનું મનાઈ રહ્યું છે.