મોરબી : મોરબીમાં રહેતા નિવૃત પોલીસ કર્મચારીની દીકરી ડો. માનલ ગઢવીએ તાજેતરમાં લેવામાં આવેલ GPSCની ક્લાસ-વનની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ મેળવી છે અને તેમણે ફિઝિશિયન સ્પેશિયાલિસ્ટ (જનરલ મેડિસિન) વિભાગની પરીક્ષામાં મહિલા કેટેગરીમાં પ્રથમ અને ઓપન કેટેગરીમાં ચોથું સ્થાન મેળવ્યું છે.
મોરબીમાં વર્ષો સુધી પોલીસ વિભાગના ફરજ બજાવીને નિવૃત થયેલ દિનેશભાઈ ગઢવીની દીકરી ડો. માનલ ગઢવીએ પ્રાથમિક શિક્ષણ મોરબીની સેન્ટ મેરી સ્કૂલમાં મેળવ્યું હતું અને ત્યાર બાદ ધો. 12 નો અભ્યાસ રાજકોટની મોદી સ્કૂલમાં કર્યો હતો. અને NEET પરીક્ષા પાસ કરીને રાજકોટની પીડીયુ સરકારી મેડિકલ કોલેજમાંથી MBBS નો અભ્યાસ કર્યો હતો અને બીજા વર્ષે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. અને માસ્ટર ડિગ્રી (જનરલ મેડિસિન)નો અભ્યાસ અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પૂર્ણ કર્યો હતો. અને ઉચ્ચ મેડિકલ અભ્યાસ અને તાલીમ બાદ, ડો. માનલ ગઢવીએ GPSC દ્વારા લેવાયેલી પ્રતિષ્ઠિત પરીક્ષા આપી હતી અને તેમાં ઝળહળતી સફળતા મેળવી છે.