Friday - Apr 17, 2026

મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને વર્ગખંડમાં મોબાઈલ વપરાશ ઉપર પ્રતિબંધ

મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને વર્ગખંડમાં મોબાઈલ વપરાશ ઉપર પ્રતિબંધ

ડીડીઓની ઓચિંતી મુલાકાતમાં શિક્ષકો મોબાઈલનો બિનજરૂરી ઉપયોગ જોવા મળતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનું આકરું વલણ

મોરબી :  પ્રાથમિક શાળામાં ચાલુ વર્ગખંડમાં શિક્ષણમાં ખલેલ ન પહોંચે એ માટે શિક્ષકોને વર્ગખંડમાં મોબાઈલનો ઉપયોગ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવા છતાં પણ આ બાબતના મોરબી જિલ્લા વિકાસ અધિકારીના પ્રાથમિક શાળાઓના ઓચિંતું ચેકિંગ દરમિયાન વર્ગખંડમાં કેટલાક શિક્ષકો ચાલુ ફરજે મોબાઈલ ઉપર વાતોમાં મશગુલ દેખાતા આ અધિકારી ચોકી ઉઠ્યા હતા. આથી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ એક ખાસ પરિપત્રને સરકારી શાળાઓમાં મોકલી ચાલુ ફરજમાં શિક્ષકોને ફોન ઉપર બિનજરૂરી વાતો ન કરવાના કડક આદેશો જારી કર્યા છે.

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ 18 ઓગસ્ટના રોજ જાહેર કરેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જિલ્લા વિકાસ અધિકારીની શાળા મુલાકાત દરમિયાન કેટલાક શિક્ષકો બિનજરૂરી રીતે વર્ગખંડમાં મોબાઈલનો વપરાશ કરતા હોવાનું ધ્યાને આવતા સમગ્ર જિલ્લામાં તમામ પ્રાથમિક શાળામાં શિક્ષકોને ચાલુ શાળાએ મોબાઈલ નહીં વાપરવા આદેશ કરવામાં આવ્યો છે. વધુમાં શાળાએ આવતાની સાથે જ શિક્ષકોએ મોબાઈલ ફોન આચાર્ય પાસે જમા કરાવી જરૂરી રજીસ્ટર નિભાવવા પણ સૂચના આપવામાં આવી છે. આ પરિપત્ર અન્વયે શાળામાં ફરજ દરમિયાન જરૂરત સમયે અને શૈક્ષણિક કામગીરી સમયે મોબાઈલ વપરાશ ઉપર મનાઈ નથી ફરમાવવામાં આવી પરંતુ વર્ગખંડમાં બિન જરૂરી મોબાઈલ નહીં વપરાશ કરવા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. સાથે જ શાળાના આચાર્ય પરિપત્રની અમલવારી ન કરે તો અને જો કોઈ શિક્ષક મોબાઈલ વાપરતા હોવાનું જણાશે તો શિક્ષક, શાળાના આચાર્ય ઉપરાંત લગત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની પણ જવાબદારી નક્કી કરવામાં આવશે અને શિસ્ત વિષયક પગલાં ભરવામાં આવશે તેમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.