મોરબી : ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે ભગવાન શ્રી રામદેવપીરની જગ્યા અને કાળુરામ બાપુના આશ્રમ ખાતે રામદેવ રામાયણ માનસ કથા આજે ભક્તિભાવપૂર્વક વાતાવરણમાં સંપન્ન થઈ હતી. જેમાં મોરબીના રામધન આશ્રમના જાણીતા કથાકાર રત્નેશ્વરીજી ગુરૂ ભાવેશ્વરીજીના વ્યાસપીઠ પરથી સંગીતમય શૈલીમાં રામદેવ રામાયણ કથાનું ભાવવાહી વર્ણન કર્યું હતું. કથા દરમિયાન શિવ-પાર્વતી સંવાદ, અજમલજીને ત્યાં રામદેવજીનું પ્રાગટ્ય, લીલુડો ઘોડો, સિકંદર લોદીનું નમવું, સગુણાબેનની કંકોત્રી અને રામદેવજીની સમાધિ જેવા ધાર્મિક પ્રસંગોને ભાવવાહી શૈલીમાં રજૂ કરતા મોટી સંખ્યામાં કથા શ્રવણ માટે ઉમટી પડેલા ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. જ્યારે સવરા મંડપનું પણ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કથાના ભાગરૂપે ડાલીબાઈના પરિવાર તરફથી ભાવભર્યું સામૈયું યોજાયું હતું.