મોરબી -રાજકોટ હાઇવે ઉપર મોરબી નજીક આવેલ રાજપર ચોકડીએ આજે સામાન્ય અકસ્માતથી ટ્રાફિકજામની ભયંકર હૈયાહોળી સર્જાઈ હતી. જેમાં ટ્રક અને કાર સાથે અકસ્માત બાદ લોકોના ટોળાના રોષનો ભોગ ન બનવું પડે તે માટે ટ્રક રોડની વચ્ચોવચ ઉભો રાખી દેતા આ રોડ ઉપર ભારે ટ્રાફિકજામ થયો હતો અને ખાસ તો આ ટ્રાફિક ક્લિયર કરાવવામાં પોલીસને પણ ઠંડી વચ્ચે પરસેવો વછુંટી ગયો હતો.
મોરબી નજીક આવેલ રાજપર ચોકડી ઉપર આજે સવારે એક ટ્રક ડ્રાઈવરે કારને હડફેટે લેતા ગંભીર નહિ પણ સામાન્ય અકસ્માત થયો હતો. પણ ટ્રક ડ્રાઈવરના મનમાં આ અકસ્માતથી લોકોનો રોષનો ભોગ બનશે એવા ભયથી તે ટ્રક રાજપર ચોકડીએ રોડની વચ્ચે ઉભો રાખીને ફરાર થઇ ગયો હતો. મોરબી રાજકોટ હાઇવે ઉપર આમ પણ સામાન્ય દિવસોમાં હજારો વાહન વ્યવહાર ચાલતો હોય એની વચ્ચે ટ્રક રોડ ઉપર ઉભેલો હોય અને મોટી જગ્યા રોકી લેતા થોડીવારમાં જ એકપણ વાહન ન નીકળી શકે તે હદે ટ્રાફિકજામ થયો હતો. આ રોડ ઉપર બન્ને બાજુએ બેથીત્રણ કિમિ વાહનોની લાઈનો લાગી હતી. હજારો વાહન ચાલકો ફસાયા હતા. એમાં પણ ઘણા વાહન ચાલકો જ્યાં ત્યાં જગ્યા મળે ત્યાંથી નીકળવાની કોશિશ કરતા ટ્રાફિકની ભારે અંધાધૂંધી થઈ હતી અને પોલીસને પણ ટ્રાફિક કિલિયર કરવામાં નાકે દમ આવી ગયો હતો અંતે પોલીસે ટ્રકની ચાવી મેળવી ટ્રકને હટાવવાની મથામણ શરૂ કરી હતી.