Sunday - Jul 05, 2026

રાજકોટ ઝોન રિજીયોનલ કમિશનરે મોરબી નગરપાલિકાની મુલાકાત લીધી

રાજકોટ ઝોન રિજીયોનલ કમિશનરે મોરબી નગરપાલિકાની મુલાકાત લીધી

સૌરાષ્ટ્રની સૌથી મોટી અને એ ગ્રેડની ગણાતી મોરબી નગરપાલિકામાં ભાજપની એકચક્રી બોડીનો ઝૂલતાપૂલની દુર્ઘટનામાં અંત આવ્યા બાદ અધિકારીઓના હવાલે આવેલો વહીવટ રેઢિયાળ બની જતા ઠેરઠેર ગંદકીના થર અને ઉભરાતી ગટરોની ઘરોમાં ઘુસી જતી ગંદકી વચ્ચે આજે રાજકોટ ઝોનના રિજીયોનલ કમિશનર મોરબી નગરપાલિકાની મુલાકાત લીધી હતી. ત્યારે પોતાની પોલ છતી ન થાય અને ઉપરી અધિકારી સમક્ષ ઉજળું ચિત્ર રજુ કરવા નગરપાલિકાનો સ્ટાફ રીતસર ઉંધેકાંધ થયો હતો અને પ્રજાની ફરિયાદો સાંભળવા ભાગ્યે જ ડોકાતા ઇન્ચાર્જ ચીફ ઓફિસર સહિતના સ્થાનિક ઓફિસરો પણ પ્રગટ થઈ ગયા હતા. ટુકમાં મોરબી પાલિકાના સંપૂર્ણ સ્ટાફે રાજકોટના અધિકારીની આગતા સ્વાગતામાં કઈ બાકી રાખ્યું ન હતું. પ્રજા લક્ષી માહિતી માટે આવેલા રિજીયોનલ કમિશનર માટે નગરપાલિકાએ એવી લાલ જાજમ પાથરી કે તે પણ મોરબી નગરની બુરી દશા છતાં તેઓ એકદમ મૃદુ સ્વરે વિનયી ભાષામાં શારૂ શારૂ બોલીને ગયા છે.

રાજકોટ રિજીયોનલ કમિશનરે નગરપાલિકાના સેનિટેશન વિભાગને યોગ્ય સુઝાવ આપવાને બદલે પ્રજાના સહયોગ વિના સ્વચ્છતા મિશનને અધુરું ગણાવ્યું છે. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ ઝોનના રિજીયોનલ કમિશનર તરીકે ચાર્જ સંભાળતા પ્રથમ વખત જ મોરબી પાલિકાની મુલાકાત લીધી હતી. જો કે તે અગાઉ મોરબીમાં યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધા બાદમાં નગરપાલિકાના પડતર કાર્યો અને પ્રવૃત્તિશીલ કામોની સમીક્ષા કરી જરૂરી વહીવટી સૂચનાઓ આપી હતી. સાથેસાથે સોલિડ વેસ્ટ સાઈડ, વોટર ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત લઈ સોલિડ વેસ્ટનો સત્વરે નિકાલ થાય તે માટે 15 જુલાઈ સુધીનો ટાર્ગેટ આપ્યો છે. જુના ઘન કચરાનો નિકાલની સૂચનાઓ આપી હતી.


બ્યુટીફિકશન કરવાથી કચરો એકઠો નહિ થાય

રાજકોટ રિજીયોનલ કમિશનરે મોરબીની ગંદકી મામલે અને જ્યાંથી વધુ કચરો એકત્રિત થતો હોય ત્યાં ધ્યાન આપી કચરાનો નાશ કરવા ઇન્ચાર્જ ચીફ ઓફિસરને સૂચના આપી હતી. તેમજ એ સ્થળે બ્યુટીફિકેશન કરવાથી ફરીવાર કચરો કોઈ નહિ નાખે તેવું જણાવ્યું હતું. જ્યારે હોટલ, રેસ્ટોરન્ટ, એપીએમસી જેવા જાહેર સ્થળોએ કચરો એકત્ર થતો હોય તો ત્યાં યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જેથી શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે છે. આ અધિકારી જાહેરમાં મીડિયા વચ્ચે સૌમ્ય ભાષામાં પણ અંદરખાને સ્થાનિક સ્ટાફ અને અધિકારીઓને સ્વચ્છતા રાખવા મુદ્દે ઘણું બધું કહી ગયા છે. પણ સ્થાનિક સ્ટાફ અને અધિકારીઓ કેટલું યાદ રાખીને કાર્ય કરે છે ?તે જોવાનું રહ્યું

મહાનગરપાલિકા એ મારો વિષય નથી

લોકસભાની ચુંટણી પહેલા મોરબીની મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી દેવાય હતી. પણ હવે ચુંટણી પુરી થતા આચારસહિતાનું ગ્રહણ દૂર થયું હોય અને બોડી વગરની નગરપાલિકામાં સમસ્યા વધી જતી હોય હવે મહાનગપાલિકા  બનાવવી જરૂરી હોવાથી આ અંગે પુછતાં રિજીયોનલ ઓફિસરે મોરબીને મહાનગરપાલિકા બનાવવા માટે તેમનો કોઈ રોલ ન હોય આ પ્રક્રિયા સીધી સરકાર દ્વારા થતી હોય અને એ માટે સરકાર વતી કલેકટર જવાબદાર હોવાનું જણાવ્યું હતું.