માં ખોડલની કૃપાથી શ્રી ખોડિયાર માતાજી મંદિર ટ્રસ્ટ નેકનામ દ્વારા ભોરણિયા પરિવાર આયોજિત તા. ૨૪/૧૨/૨૦૨૩ના મંગલમય દિને શ્રી ખોડિયાર માતાજીની તથા વિહોત માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના ૨૫ માં પાટોત્સવ નિમિતે વૈદિક દૈવી મહાયજ્ઞનું ભવ્ય આયોજન સાકારિત થયું જેમાં ૭૫ દંપતીઓ યજ્ઞમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વૈદિક પરંપરા જીવંત રાખવા ખોડલધામનાં ભવ્ય અને દિવ્ય સમિયાણામાં પચીસ કુંડી વૈદિક યજ્ઞનું આચાર્યશ્રી આશિષભાઈ પંડયા-કોયલીવાળા(હાલ:મોરબી) ના અધિષ્ઠાનમાં યજ્ઞના બ્રાહ્મણ, પુરોહિત, ઋત્વિજ, અને હોતાઓના પાવન મુખે વૈદિક મંત્રોચ્ચાર દ્વારા સાથે સાથે ૫૦ કિલો ધૃત(ઘી) અને અન્ય અસંખ્ય હવન સામગ્રી યજ્ઞવેદીમાં હોમીને પર્યાવરણને શુદ્ધ, શુચિ, પવિત્ર, દિવ્ય અને ભક્તિમય બનાવ્યું અને વૈદિક દૈવી મહાયજ્ઞ સુપુરે સંપન્ન કર્યો.
કાર્યક્રમના દ્રિતીય સોપાનમાં એસ.એસ.સી., એચ.એસ.સી., ગ્રેજ્યુએટ, પી.એચ.ડી., જી.પી.એસ.સી., એમ.બી.બી.એસ. અને એમ.એસ. કક્ષાના કુલ બાવન ભોરણિયા પરિવારના જ્વલંત સિતારાઓને ત્રણ દાતાઓ દ્વારા પ્રાપ્ત શિલ્ડ અલગ અલગ દાતાશ્રીઓના વરદ હસ્તે એનાયત કરી સન્માનીત કર્યાં.
આ તકે વિદ્યાર્થીઓને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા અને યશસ્વી સફળતા હાંસલ કરવા ડૉ. ચિરાગ ભોરણિયા સાહેબે(ડાયરેક્ટર આઈ.સી. સેન્ટર બ્યુરો ઓફ કોમ્યુનિકેશન) જરૂરી માર્ગદર્શન, પ્રેરણા અને પ્રોત્સાહન પુરું પાડેલ જે યશસ્વી રહ્યું.
બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોતાના નાનાવિધ કૃતિઓ રજૂ કરી દર્શકોને , પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખશ્રી, સર્વે ટ્રસ્ટીશ્રીઓ તથા નેકનામ , હમીરપર , રોહિશાળા- ત્રણેય ગામના સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત આમરણ, જોડિયા, નાનીબરાર, કેરાળા, ભક્તિનગર,નારણકા, ટીંબડી, બંગાવડી, બોડીઘોડી, દેવળિયા, ચાચાપર, સખપર, જોધપર, થાણાપીપળી, મોટા ખીજડિયા, ખજૂરડા વગેરે ગામના સાથ સહકારથી કાર્યક્રમ દીપી ઉઠ્યો.
કાર્યક્રમનું સફળ અને પ્રશંસનીય સંચાલન પ્રવીણભાઈ ભોરણિયા(નાનીબરાર) અને ઘનશ્યામભાઈ ભોરણિયા(હમીરપર) દ્વારા થયું .' મા ' ના મંદિરે પધારેલ ભોરણિયા પરિવારના સર્વે ભાઈઓનું અને બહેનોનું સુંદર શબ્દગુચ્છથી સ્વાગત કરી આવકારનાર અને અભિવાદન કરનાર મનસુખભાઈ ભોરણિયાને અને સૌનો આભાર માની હળવા કરી ભાર ઉતારનાર શ્રી નાથાભાઈ ભોરણિયાને અત્રે કેમ વિસરી શકાય...
પચીસમા પાટોત્સવને સ્મૃતિરૂપે સાચવી રાખવા વિના મૂલ્યે સમગ્ર કાર્યક્રમનું ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરી પાટોત્સવમાં પ્રાણ પૂરીને 'મા' ખોડિયારની નિસ્વાર્થ અને નિરપેક્ષ ભાવે ભક્તિ કરનાર રંગોલી સ્ટુડિયો- રાજકોટ ને યાદ કરતાં સૌને આનંદની અનુભૂતિ થાય છે..
“મા” ખોડિયારની ઉદારતા પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા ભોરણિયા પરિવારના ૩૦૦૦ ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહી પાવન પ્રસંગ પૂર્ણ કર્યો તે બદલ શ્રી ખોડિયાર માતાજી ટ્રસ્ટી મંડળના સભ્યો સૌનો આભાર માને છે અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.