Wednesday - Apr 29, 2026

મોરબીના ઘૂળકોટ ગામમાં બે શાળાઓ વચ્ચે 5 શિક્ષકોને કારણે મુશ્કેલી

મોરબીના ઘૂળકોટ ગામમાં બે શાળાઓ વચ્ચે 5 શિક્ષકોને કારણે મુશ્કેલી

શહેરીજીવન કરતા ગ્રામીણ જીવન હમેશા બહેતર રહ્યું છે. કારણ કે, શહેરોમાં શોરબકોર, વાહનો અને ફેકટરીઓના પ્રદુષણ અને ભાગદોડભરી રોજિંદી ઘટમાળ તેમજ ગંદકીને કારણે લોકોનું સરેરાશ આયુષ્ય ઘટી રહ્યું છે. પણ ઘણા ગામડાઓ હજુ પણ એકદમ શુદ્ધ વાતાવરણ જળવાયેલું છે. જેના કારણે સુવિધાઓનો અભાવ છતાં ગામલોકો મસ્ત મોલાનાની જેમ જીવી જાણે છે. આવું જ એક ગામ છે, મોરબીનું ઘૂળકોટ ગામ. આ ગામમાં  મોટાભાગની સુવિધાઓ હોય તેમજ ખેતી સમૃદ્ધ હોવાને કારણે ગામલોકોને કાયમ લીલાલહેર છે.

મોરબીના ઘૂળકોટ ગામમાં બે શાળાઓ વચ્ચે 5 શિક્ષકોને કારણે મુશ્કેલી

મોરબીના ખાનપર અને આમરણ ગામની વચ્ચે આવેલું ઘૂળકોટ ગામની વિશેષતા વિશે ગ્રામજનો કહે છે કે, તેમનું ગામ આશરે 250 વર્ષ જૂનું છે. 250 વર્ષ પહેલાં સ્થપાયેલા ગામની આશરે 3 હજાર જેટલી વસ્તી છે. જેમાંથી હજુ સુધી અંદાજે 65 ટકા જ શિક્ષિત વર્ગ છે. ગ્રામજનો કહે છે કે, આ ગામનું શરૂઆતમાં કણકોટ નગરી નામ હતું. પણ પછીથી તેમના પૂર્વજોએ આ ગામનું નામ બદલીને ઘૂળકોટ પાડી દીધુ હતું. તેમના ગામમાં દવાખાનું, એક બે નહિ પણ ત્રણ ત્રણ શાળાઓ જેમાં એક ધો.1થી 10 સુધીની હાઇસ્કુલ તેમજ કુમાર અને કન્યા એમ બે અલગ અલગ પ્રાથમિક શાળા, દરેક પ્રકારના પ્રસંગો માટે સમાજવાડી, આંગણવાડી, પાંચથી વધુ મંદિરો, બાગ જેવી હરિયાળી ખેતી, લાઈટ, પાણી, શૌચાલય, ગટર, નિયમિત સફાઈ સહિતની દરેક પ્રકારની જીવન જીવવા માટેની મૂળભૂત સુવિધાઓ છે. પણ આ ગામલોકોને એક જ વાતનું દુઃખ છે એ છે કે, ગામમાં કન્યા અને કુમાર બે અલગ અલગ શાળાઓ હોવા છતાં આ શિક્ષણની વ્યવસ્થામાં ખામી છે. કારણ કે આ શાળાઓમાં શિક્ષકોની ઘટ છે અને  શાળાઓમાં શિક્ષકોની વારંવાર બદલી અને શિક્ષકોની નિવૃત્તિને કારણે આ બે શાળાઓમાં હવે પાંચ જ શિક્ષકો હોય અને હજુ 2 શિક્ષકોની ઘટને કારણે જરુર મુજબ એકબીજાને પૂરક થવા માટે શિક્ષકોને આ બે શાળાઓમાં મોકલીને બંને  શાળાઓને એક ધોરણે જ ચલાવવામાં આવે છે. આથી પ્રાથમિક શિક્ષણ ડચકા ખાઈ રહ્યું છે. બે શાળાઓમાં કુમાર શાળામાં 95 વિદ્યાર્થીઓ અને કન્યા શાળામાં 34 દીકરીઓ ભણે છે. જો કે હજુ પણ ગામના બધા જ લોકો ખેતી પર જ નભે છે. એટલે હજુ લોકો સ્ફુર્તિમય અને એકદમ તંદુરસ્ત છે.ગામમાં હર્યાભર્યા વૃક્ષો, હરખાતી બલખાતી હરિ ભરી ખેતીને કારણે ગામનું વાતાવરણ એકદમ શુદ્ધ છે. અમે ભલે ઓછું ભણેલા પણ જીવતરનું પૂરેપૂરું ભાન છે. આવનારી નવી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે બધા લોકો પ્રયત્નશીલ છે. એટલે ગામના દરેક બાળકો ભણે છે. ટેકનોલોજીના યુગમાં શિક્ષિત હોવું જરૂરી હોવાથી ગ્રામજનો શિક્ષણનું મહત્વ સમજીને તેમના બાળકોને ઉત્તમ શિક્ષણ ગ્રહણ કરે તેવા પ્રયાસો કરી રહ્યા છે.