શહેરીજીવન કરતા ગ્રામીણ જીવન હમેશા બહેતર રહ્યું છે. કારણ કે, શહેરોમાં શોરબકોર, વાહનો અને ફેકટરીઓના પ્રદુષણ અને ભાગદોડભરી રોજિંદી ઘટમાળ તેમજ ગંદકીને કારણે લોકોનું સરેરાશ આયુષ્ય ઘટી રહ્યું છે. પણ ઘણા ગામડાઓ હજુ પણ એકદમ શુદ્ધ વાતાવરણ જળવાયેલું છે. જેના કારણે સુવિધાઓનો અભાવ છતાં ગામલોકો મસ્ત મોલાનાની જેમ જીવી જાણે છે. આવું જ એક ગામ છે, મોરબીનું જીકિયારી ગામ.આ ગામમાં મોટાભાગની સુવિધાઓ હોય તેમજ ખેતી સમૃદ્ધ હોવાને કારણે ગામલોકોને કાયમ લીલાલહેર છે.
મોરબીના ખરેડા ગામની બાજુમાં આવેલ જીકીયારી ગામની વિશેષતા વિશે ગ્રામજનો કહે છે કે, તેમનું ગામ આશરે 400 વર્ષ જૂનું છે. 400 વર્ષ પહેલાં સ્થપાયેલા ગામની 2500થી વધુ વસ્તી છે. જેમાંથી હજુ સુધી અંદાજે 60 ટકા જ શિક્ષિત વર્ગ છે. ગ્રામજનો કહે છે કે, તેમના ગામમાં દવાખાનું, પ્રાથમિક શાળા, દરેક પ્રકારના પ્રસંગો માટે સમાજવાડી, આંગણવાડી, મંદિરો, બાગ જેવી હરિયાળી ખેતી, લાઈટ, પાણી, શૌચાલય, ગટર, નિયમિત સફાઈ સહિતની દરેક પ્રકારની જીવન જીવવા માટેની મૂળભૂત સુવિધાઓ છે. પણ આ ગામલોકોને એક જ વાતનું દુઃખ છે. જેમાં ગામની નદી ઉપર હજુ સુધી પુલ બનાવવામાં આવ્યો નથી. જો કે સામાન્ય દિવસોમાં તો ગ્રામજનો નદી પરથી હેમખેમ અવરજવર કરી શકે છે. પણ ચોમાસામાં મોટી યાતના ભોગવવી પડે છે. કારણ કે, ચોમાસામાં વરસાદને કારણે તેમના ગામની નદી બે કાંઠે થઈને વહે છે. એટલે નદી ઉપરથી અવરજવર કરવી જોખમી છે. ચોમાસામાં નદી ગાંડીતુર થતી હોવાથી અમારા ગામનો સંપર્ક કપાય જાય છે અને ગામ સંપર્ક વિહોણુ થઈ જાય છે. એટલે વર્ષોથી નદી ઉપર અવરજવર કરવા માટે પુલ બનાવી આપવાની માંગની તંત્ર કે સરકારે કોઈ દરકાર કરી જ નથી. આથી દર ચોમાસે ગંભીર પરિસ્થિતિમ મુકાય જાય છીએ. જો કે હજુ પણ ગામના બધા જ લોકો ખેતી પર જ નભે છે. એટલે હજુ લોકો સ્ફુર્તિમય અને એકદમ તંદુરસ્ત છે.ગામમાં હર્યાભર્યા વૃક્ષો, હરખાતી બલખાતી હરિ ભરી ખેતીને કારણે ગામનું વાતાવરણ એકદમ શુદ્ધ છે. અમે ભલે ઓછું ભણેલા પણ જીવતરનું પૂરેપૂરું ભાન છે. આવનારી નવી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે બધા લોકો પ્રયત્નશીલ છે. એટલે ગામના દરેક બાળકો ભણે છે. ટેકનોલોજીના યુગમાં શિક્ષિત હોવું જરૂરી હોવાથી ગ્રામજનો શિક્ષણનું મહત્વ સમજીને તેમના બાળકોને ઉત્તમ શિક્ષણ આપે છે.