Thursday - Oct 22, 2026

મોરબી-ટંકારામાં દરોડા: બાળમજૂરી કરતા 9 તરુણોને મુક્ત કરાવાયા

મોરબી-ટંકારામાં દરોડા: બાળમજૂરી કરતા 9 તરુણોને મુક્ત કરાવાયા

હિમાલય ફ્રેમ એલએલપીમાંથી 8 અને મોરબીની ગાંઠિયાની પેઢીમાંથી 1 તરુણ મજૂરી કામ કરતા મળી આવતા બંને સંચાલકો સામે કાર્યવાહી

મોરબી : મોરબી જિલ્લામાં બાળમજૂરી અટકાવવા માટે શ્રમ વિભાગ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ટંકારા અને મોરબીમાં બે સ્થળે દરોડા પાડીને કામે રાખવામાં આવેલા કુલ 9 તરુણોને મુક્ત કરાવવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીમાં બાળમજૂરી વિરોધી ટાસ્કફોર્સ જોડાઈ હતી.

8 સપ્ટેમ્બર, 2026ના રોજ ટંકારાની હિમાલય ફ્રેમ એલએલપીમાં તપાસ દરમિયાન 8 તરુણો કામ કરતા મળી આવ્યા હતા. ત્યારબાદ 22 સપ્ટેમ્બરે મોરબીમાં દેવુભાઈ ગાંઠિયાવાળાની પેઢીમાંથી વધુ એક તરુણને મુક્ત કરાવવામાં આવ્યો હતો. બંને સ્થળના સંચાલકો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શ્રમ વિભાગે હોટલ, ઢાબા અને ઔદ્યોગિક એકમોના સંચાલકોને પોતાની સંસ્થામાં બાળ શ્રમિકોને કામે ન રાખવા સ્પષ્ટ સૂચના આપી છે. બાળમજૂરીના કિસ્સા અટકાવવા આગામી સમયમાં પણ તપાસ અને દરોડાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.