Thursday - Oct 22, 2026

મોરબીના અજંતા ઓરેવા ગ્રુપના મોભી દિવગંત પ્રવિણભાઈ ભાલોડિયાની પ્રાર્થનાસભા યોજાઈ

મોરબીના અજંતા ઓરેવા ગ્રુપના મોભી દિવગંત પ્રવિણભાઈ ભાલોડિયાની પ્રાર્થનાસભા યોજાઈ

રાજકીય, સામાજિક, ઔદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓ તેમજ સાધુ-સંતો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી

મોરબી : મોરબીના અજંતા ઓરેવા ગ્રુપ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ પ્રવિણભાઈ ઓધવજીભાઈ ભાલોડિયાની સ્મૃતિમાં મોરબીના ઉમા સંસ્કાર ધામ ખાતે પ્રાર્થનાસભા યોજાઈ હતી. આ પ્રસંગે રાજકીય, સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓ તેમજ સાધુ-સંતો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

મોરબીના અજંતા ઓરેવા ગ્રુપના મોભી દિવગંત પ્રવિણભાઈ ભાલોડિયાની પ્રાર્થનાસભા યોજાઈ

પ્રાર્થનાસભામાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોહનભાઈ કુંડારિયા, જયંતિભાઈ કવાડિયા, લલિતભાઈ કગથરા, ઉમિયાધામ સીદસરના મૌલેશભાઈ ઉકાણી, કૌશિકભાઈ રાબડીયા તથા મહર્ષિ દયાનંદ સરસ્વતી આર્ય સમાજના સાધુ-સંતો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રવિણભાઈના સામાજિક યોગદાનને યાદ કરતાં જણાવાયું હતું કે તેમણે પોતાના પિતા ઓ.આર. પટેલના પગલે ચાલીને વિદ્યુત સ્મશાન, સદભાવના હોસ્પિટલ, ઉમા સંસ્કાર ધામ, કન્યા છાત્રાલય, કન્યા કેળવણી મંડળ અને વિદ્યાર્થી ભવન જેવી સંસ્થાઓને આર્થિક સહયોગ આપ્યો હતો. વર્ષ 1980માં મહિલાઓને કારખાનામાં કામ કરવાની તકો મર્યાદિત હતી ત્યારે તેમણે પત્ની વનિતાબેનને અજંતા ખાતે પ્રથમ મહિલા કર્મચારી તરીકે નિયુક્ત કરી હતી. વનિતાબેને અઢી વર્ષ સુધી કારખાનામાં કામ કર્યું હતું. આ પહેલ બાદ આજે અજંતા ઓરેવા ગ્રુપમાં આશરે 6,500 મહિલાઓ બેંકિંગ, બસચાલન અને કારખાનાં સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે. મોરબીમાં ઘરવપરાશ અને પીવાના પાણીની અછતના સમયમાં તેમણે જળસંગ્રહ માટે ચેકડેમ નિર્માણમાં યોગદાન આપ્યું હતું. ચાંચપર ગામ નજીક આવેલો ‘પ્રવિણસાગર’ ચેકડેમ આ કામગીરીનું ઉદાહરણ છે. જળસંગ્રહ ક્ષેત્રે કરેલા કાર્ય બદલ સ્વામી સચ્ચિદાનંદના હસ્તે તેમને ‘ક્રાંતિચક્ર’ અર્પણ કરવામાં આવ્યું હતું. આવી વિવિધ પ્રવૃત્તિઓને પ્રાર્થનાસભામાં યાદ કરવામાં આવી હતી.