Saturday - May 18, 2024

મોરબીમાં હડકાયા શ્વાનનો હાહાકાર : 20 જેટલા લોકોને કરડયું

મોરબીમાં હડકાયા શ્વાનનો હાહાકાર : 20 જેટલા લોકોને કરડયું

મોરબીમાં એક દિવસમાં હડકાયા શ્વાને ભારે હાહાકાર મચાવી સામાંકાંઠાના અલગ અલગ વિસ્તારોમાં રહેતા 20 જેટલા લોકોને નિશાન બનાવીને બચકા ભરતા આ તમામ લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.વફાદારીનું પ્રતીક ગણાતા  શ્વાન ખુદ ભક્ષક બનતા લોકોમાં ભારે ફફડાટ મચી ગયો છે.

મોરબીના સામાકાંઠે આવેલા વિસ્તારોમાં નઝરબાગ રેલવે સ્ટેશન પાછળ ગાંધી સોસાયટી, લાલપર સહિતના વિસ્તારોમાં માણસ માટે વર્ષોથી વફાદારીનું કેન્દ્ર ગણાતા કૂતરાઓ ખુદ નરભક્ષી જેવા બની જતા લોકોને રસ્તે નીકળવું મુશ્કેલ બન્યું હતું. કૂતરાઓ શેરી ગલી કે રસ્તા ઉપર જે પણ નીકળે તેને બચકા ભરીને લોહીલુહાણ કરી નાખતા ભારે હાહાકાર મચી ગયો હતો. કૂતરાઓએ લાલપરના વૃદ્ધ મોહનભાઇને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી અને તેમના વિસ્તારમાં 10થી વધુ લોકોને બચકા ભર્યા, નઝરબાગ રેલવે સ્ટેશન પાસે ગાંધી સોસાયટીમાં ખ્યાતિબેન જગદીશભાઈ (ઉ.વ.2), હંસાબેન મહેશભાઈ (ઉ.વ.46), હિતેષભાઇ સોલંકી (ઉ.વ.26) અને ઇબ્રાહિમ હુસેન (ઉ.વ.12)ને બચકા ભર્યા તેમજ ઇબ્રાહિમ હુસેન (ઉ.વ.12)ને નજીવી ઇજા હોય ઇન્જેક્શન લઈને ડિસ્ચાર્જ થઈ ગયા હતા. બાકીના ત્રણ દર્દીઓને વધુ ઇજા હોવાથી અને ત્યારબાદ આવા 4 કેસ આવતા એક બે દિવસમાં 20 જેટલા લોકોને કૂતરું કરડયું હોય એને સારવાર આપવામાં આવી હોવાનું સિવિલના સૂત્રોએ જણાવ્યું હતું.