મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતાની સાથે નવ નિયુક્ત કમિશનરે રાજકોટની જેમ વન વીંક વન રોડ અંતર્ગત દબાણ હટાવ ઝુંબેશ આદરી છે. જેમાં છેલ્લા થોડા સમયમાં શનાળા રોડ, સ્ટેશન રોડ અને વાવડી રોડ ઉપરના ગેરકાયદે દબાણો હટાવ્યા બાદ મોરબી મહાપાલિકાએ મનપા કચેરી સામેની બજારમાં બહાર રહેલા ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાનું કહેતા વેપારીઓ સતર્ક બન્યા હતા અને મનપા પહેલા જ વેપારીઓએ પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કર્યા હતા.
મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે ચાર્જ સંભાળતાની સાથે શહેરના રોડ ઉપર પથરાયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં થોડા સમયમાં જ મ્યુનિ. તંત્રએ શનાળા રોડ અને સ્ટેશન રોડ તેમજ વાવડી રોડ ઉપરના ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરીને રોડને દબાણ મુક્ત કર્યા હતા. કમિશનર સ્વપ્નિલ ખરેએ કહ્યું હતું કે, રાજકોટની જેમ મોરબીના 24 રોડ ઉપર વન વિક વન રોડ હેઠળ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ છે. અત્યાર સુધીમાં 3-4 રોડ ઉપરના દબાણો દૂર કર્યા છે. જ્યારે મનપા કચેરી સામેનો રોડ એકદમ ટૂંકો થઈ ગયો છે. એનું કારણ એ છે કે, મનપા કચેરી સામે આવેલી બજારમાં વેપારીઓએ જાતે જ ઓટલા, બોર્ડ, માલ સામગ્રી વગેરેના દબાણો રાખ્યા હતા. જે ટ્રાફિકને નડતરરૂપ હતા. આથી મનપાએ આ દબાણો ગમે ત્યારે દૂર કરવાનું વેપારીઓને કહેતા વેપારીઓ હરકતમાં આવ્યા હતા અને મનપાના બુલડોઝરથી વધુ કોઈ નુકશાન ન થાય તે માટે વેપારીઓ પોતાના દબાણો દૂર કર્યા હતા. જેથી માર્ગ મોકળો થયો છે.